ઘોઘંબાથી ગોધરાની સવારની બસ પુન: શરૂ કરવા માંગ

ઘોઘંબા ખાતેથી સવારે 6 કલાકે અને સાંજે 7.45 કલાકે બોડેલી, ગોધરા જતી બસ તે બાદ સવારે 11 કલાકે છે. તે સિવાય વચ્ચે ત્રણ કલાકના ગાળામાં ઘોઘંબાથી ગોધરા જવા માટે કોઈ બસ નથી. જેથી નગર અને આસપાસના ગામોના લોકોને તેમજ નોકરિયાતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને ધણી મુશ્કેલી પડે છે. અગાઉ 9 કલાકે જતી બસ હાલ બંધ કરી દેવાઈ છે. છેલ્લા 50 વર્ષથી ચાલતી અમદાવાદ, રાજગઢ પાલ્લા તેમજ ગોધરા, કદવાલ બસ બંધ કરી દેવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

ભીખાપુરાથી ગોધરા વાયા ઘોઘંબાની 11 કલાકે આવતી બસમાં આગળથી જ મુસાફરો હોવાથી તેમાં જગ્યા જ નહિ રહેતા ધણીવાર મુસાફરોને નાછુટકે ખાનગી વાહનોમાં મુસાફરો કરવી પડે છે. જેથી ઘોઘંબાથી ગોધરા માટેની સવારે 9 કલાકની બસ પુન: શરૂ કરવા ગ્રામજનોએ ધારાસભ્ય જયદ્રથસિંહને પણ લેખિતમાં રજુઆત કરવા સાથે ભુખ હડતાળની ચિમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત ગોધરા ડેપોની વડોદરા-ઝોઝ વાયા માલુ, કાંટુ, ગોદલીની રાત્રિ બસ પણ છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવાઈ છે. જેમાં વિદ્યાર્થીઓ સાથે મજુરિયાત વર્ગ વધુ મુસાફરી કરતો હતો. જે બંધ થતાં પણ લોકોને મુશ્કેલીમાં મુકાવુ પડ્યુ છે. આ અંગે રૂમાલભાઈ રાઠવાએ ગોધરા ડીસીને લેખિતમાં જાણ કરી છે.