ગીરમાં સિંહોના મોત બાદ વનવિભાગ એલર્ટઃ ૫૦૦થી વધુ સિંહોનું વેક્સીનેશન, ડી-ટિકિંગ અને ડી-વોમીગ શરૂ

ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધાયેલા સિંહોના મોતના બનાવોને પગલે વનવિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. સિંહોમાં જાવા મળેલા ગંભીર રોગલક્ષણોને ધ્યાનમાં રાખી વનવિભાગ દ્વારા વ્યાપક સ્તરે વેક્સીનેશન, ડી-ટિકિંગ અને ડી-વોમીની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ સિંહો પર આરોગ્યલક્ષી પ્રક્રિયા કરવામાં આવી હોવાનું વન મંત્રી અર્જુન મોઢવડીયા એ જણાવ્યું છૅ

વનવિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગીર પૂર્વ અને ગીર પશ્ચિમની બોર્ડર રેન્જમાંથી ૩૦થી વધુ સિંહોને રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જસાધાર અને જામવાળા ખાતે આવેલા એનિમલ કેર સેન્ટરોમાં આ સિંહોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પશુચિકિત્સકો અને વન અધિકારીઓની ટીમો ૨૪ કલાક મોનીટરીંગ કરી રહી છે જેથી કોઈપણ પ્રકારના નવા લક્ષણો સામે તાત્કાલિક સારવાર આપી શકાય.

સિંહોમાં ગંભીર વાયરલ ચેપ જેવા લક્ષણો જાવા મળતા વનવિભાગે વધારાની સાવચેતી અપનાવી છે. તાજેતરમાં એનિમલ કેર સેન્ટરની મુલાકાતે આવેલા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીએ તેમજ સિનિયર વન અધિકારીઓએ માસ્ક પહેરીને મુલાકાત લીધી હતી અને તમામ કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઘટનાએ સમગ્ર વનતંત્રમાં ચિંતા વધારી છે.

સિંહોના મોતના ચોક્કસ કારણ અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ શકી નથી. મૃત સિંહોના સેમ્પલો વિવિધ પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવ્યા હોવા છતાં તેમના અંતિમ રિપોર્ટ હજુ પેન્ડીગ હોવાનું જાણવા મળે છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોત પાછળનું ચોક્કસ કારણ સામે આવશે તેવી શક્યતા છે.

દરમિયાન, વનવિભાગ દ્વારા રાત્રિના સમયે પણ ખાસ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સિંહોને ટ્રેક કરીને પાંજરામાં પકડી તેમની આરોગ્ય તપાસ, ડી-ટિકિંગ, ડી-વોમી અને વેક્સીનેશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ કામગીરી માટે અનેક વેટરનરી ડોક્ટરો, ટ્રેકર્સ, આરઆરટી ટીમો અને વનકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

ગીરના જંગલમાં વસતા એશિયાટિક સિંહોની સુરક્ષા માટે વનવિભાગ દ્વારા લેવામાં આવેલા આ પગલાંને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ આગામી કાર્યવાહી અને રોગચાળાના વાસ્તવિક કારણ અંગે વધુ સ્પષ્ટતા થવાની સંભાવના છે. હાલમાં સમગ્ર ગીર વિસ્તારમાં સિંહોના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે.