ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે વહેલી સવારના સમયે પોતાના ખેતરમાં કામ કરી રહેલા સ્થાનિક ગ્રામજનો પર દિપડાએ અચાનક જીવલેણ હુમલો કરતા આ હિંસક હુમલામાં ત્રણ યુવાનો ગંભીર રીતે ધાયલ થયા હતા.
ગરબાડાના પાંચવાડા ગામના માળ ફળિયામાં રહેતા સ્થાનિક શ્રમજીવી યુવાનો દરરોજની જેમ વહેલી સવારે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ નજીકની ઝાડીઓમાંથી ધસી આવેલ એક હિંસક દિપડાએ યુવકો પર પાછળથી તરાપ મારી હતી.જયાં ખેતરમાં હાજર લોકોને બચાવ કે ભાગવાનો કોઈ જ મોકો મળ્યો ન હતો. દિપડાએ તિક્ષ્ણ ન્હોર અને પંજા મારતા ત્રણેય યુવાનોને માથાના, મોઢાના તેમજ શરીરના અન્ય ભાગો ગંભીર ઈજાઓ પહોંચી હતી. ખેતરમાં લોહીલુહાણ થયેલા યુવાનોની બુમાબુમ સાંભળીને આજુબાજુના ખેતરો તેમજ ફળિયામાંથી અન્ય ગ્રામજનો લાકડીઓ લઈને દોડી આવ્યા હતા. ગ્રામજનોએ એકઠાં થઈને હોબાળો મચાવતા અને બુમાબુમ કરતા દિપડો જંગલ તરફ ભાગી છુટ્યો હતો. આ હુમલામાં પંકજભાઈ ધુલાભાઈ માવી, મનોજભાઈ કેશવભાઈ માવી, અને રાકેશભાઈ સેવાભાઈ પરમારને ઈજાઓ પહોંચતા દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ધટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગ દ્વારા જરી તપાસ કરીને પાંજ ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.