ઈબોલા વાયરસને લઈને ગુજરાતમાં એલર્ટ, અમદાવાદમાં ૧૧ લોકોને હોમ આઈસોલેટ કરાયા

આફ્રિકન દેશોમાં ઈબોલા વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે હવે આ વાયરસને લઈને ગુજરાત એલર્ટ થયું છે, અમદાવાદમાં ૧૧ લોકોને હોમ આઈસોલેશન કરાયા છે. યુગાન્ડા, કોંગો સહિતના દેશોમાંથી આવેલા લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ફેલાયેલા ઈબોલા વાયરસને લઈને હવે અમદાવાદમાં એએમસી આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આ આફ્રિકન દેશોમાંથી ટ્રાવેલ કરીને અમદાવાદ આવેલા ૧૧ જેટલા લોકોને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.

આ તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારના છે. જા કે, રાહતની સમાચાર એ છે કે હોમ આઈસોલેટ રખાયેલા એકપણ વ્યક્તીમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી કે તેઓ કોઈ પોઝિટિવ વ્યક્તીના સંપર્કમાં પણ આવ્યા નથી. જાકે, સાવચેતીના ભાગરૂપે આ દેશોમાંથી ટ્રાવેલ કરતા લોકોને હોમ આઇસોલેશન રાખવામાં આવી રહ્યા છે.

ઇબોલા એક અત્યંત ચેપી વાયરલ છે, જે ગંભીર રક્તસ્રાવ, હેમોરહેજિક તાવ અને અંગોને નુકસાન પણ પહોંચાડી શકે છે. આ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તીના શરીરના પ્રવાહી, જેમ કે લોહી, લાળ અને પરસેવાના સીધા સંપર્ક દ્વારા ફેલાય શકે છે. હાલમાં, તેની કોઈ રસી કે દવા શોધાઈ નથી, જેના કારણે આ વાયરસ ખૂબ જ ઘાતક બની ગયો છે.

કોંગોની પરિસ્થીતિને જાતાં, ભારતે નાગરિકોને આ દેશોમાં બિનજરૂરી ન જવાની સલાહ આપી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન નડ્ડાએ વર્તમાન તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયએ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.

અગાઉ, ડેમોક્રેટિક રિપબ્લીક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન જેવા દેશોમાં આ વાયરસને કારણે ૨૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં એક હજારથી વધુ કેસ નોંધાયા છે. ઇબોલા વાયરસને ખૂબ ઘાતક માનવામાં આવે છે કારણ કે ચેપગ્રસ્ત કેસોમાં મૃત્યુદર ૫૦થી ૯૦ ટકા સુધી પહોંચી શકે છે.