
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોના પ્રશ્નો વધુ ઉગ્ર બનતા જાવા મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં જીએસપીએલની ગેસ પાઇપલાઇનના કામ સામે ખેડૂતો પાંચ દિવસથી ખેતરમાં જ ધરણાં પર બેઠા છે, જ્યારે બનાસકાંઠાના થરામાં સહકારી મંડળી સામે ખેડૂતોના નામે લાખો રૂપિયાની ગેરરીતિ અને છેતરપિંડીના ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં જીએસપીએલની ગેસ પાઇપલાઇન માટે ઉભા પાક વચ્ચે જેસીબી ચલાવવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો ખેતરમાં જ છાવણી નાખીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે પાક અને જમીનને નુકસાન પહોંચાડીને કંપની દાદાગીરી કરી રહી છે, જેને કોઈ પણ સંજાગોમાં સ્વીકારવામાં નહીં આવે.
ખેડૂતોના સંઘર્ષમાં તેમના પરિવારજનો અને બાળકો પણ જાડાયા હતા. બાળકોએ હાથમાં બેનરો લઈને ‘ખેડૂત બચશે તો દેશ બચશે’ અને ‘ખેડૂત છે તો અનાજ છે’ જેવા સૂત્રોચ્ચાર કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. ખેડૂતો જમીન અને પાકને બચાવવા માટે લડત ચાલુ રાખવાની ચીમકી આપી રહ્યા છે.બનાસકાંઠાના વાલપુરા સહકારી મંડળી સામે ખેડૂતોના નામે અંદાજે રૂ.૧૯.૧૦ લાખની નાણાકીય ગેરરીતિ કરવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
બે ખેડૂતોના નામે ખોટી સહીઓ કરીને પાક ધિરાણ ઉપાડી લેવામાં આવ્યું હોવાનો આરોપ છે. લોનની નોટિસ મળ્યા બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હોવાનું ખેડૂતોનું કહેવું છે.આ સમગ્ર મામલે ખેડૂતો દ્વારા મંડળીના ચેરમેન અને સંચાલકો સામે ગંભીર આક્ષેપો સાથે થરા પોલીસ મથકે લેખિત અરજી આપવામાં આવી છે. ખેડૂતો નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.