
અમદાવાદના ધોળકા તાલુકાના કલીકુંડ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત ‘હરી જ્વેલર્સ’ના માલિક ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની તથા તેમના બે પુત્રો યશ અને દીપ સોનીએ લોકોનો વિશ્ર્વાસ જીતીને મોટા પાયે છેતરપિંડી આચરી હોવાનો આરોપ લાગ્યો છે. આરોપીઓએ ઊંચા વ્યાજ કે વળતરની લાલચ આપીને રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા અને કિલોગ્રામમાં ચાંદી ઉઘરાવી લીધી હતી, પરંતુ વાયદા મુજબ પરત કર્યા નહીં. હવે આ પરિવાર શોરૂમ અને ઘરને તાળા મારીને રાતોરાત ફરાર થઈ ગયો છે.
આરોપીઓએ લોકોનો વિશ્ર્વાસ જીતવા અનેક પ્રકારના પેતરા અપનાવ્યા હતા. તેમણે આશરે ૩ કરોડ રૂપિયાનો ભવ્ય શોરૂમ બનાવ્યો હતો અને મસડીઝ બેન્ઝ જેવી લક્ઝરી કારોનું પ્રદર્શન કરીને બજારમાં પોતાની મોટી શાખ ઊભી કરી હતી. આ શાખના આધારે તેમણે રોકાણકારોને ચાંદી કે અન્ય રોકાણમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી મોટી રકમો અને ચાંદી પડાવી લીધી હતી.પ્રાથમિક ફરિયાદ મુજબ, મોહંમદ સજ્જાદ નિવાજખાન પઠાણ નામના રોકાણકાર પાસેથી આરોપીઓએ ૯૭ કિલો ચાંદી લીધી હતી, પરંતુ વાયદા મુજબ ડિલિવરી આપી નહીં.
જ્યારે અન્ય રોકાણકારો પોતાના પૈસા કે ચાંદી પરત લેવા શોરૂમ પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે ૨૦ ઓક્ટોબરથી જ સોની પરિવારે ઘર અને શોરૂમને તાળા મારીને નાસી છૂટ્યો છે.સત્તાવાર રીતે અત્યાર સુધીમાં ૬.૦૪ કરોડ રૂપિયાની છેતરપિંડી નોંધાઈ છે. જોકે, લોકચર્ચા અને પ્રારંભિક તપાસમાં આ આંકડો ૩૦૦થી ૪૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ કૌભાંડમાં હજુ અનેક રોકાણકારોના નામ સામે આવવાના બાકી છે, કારણ કે ઘણા લોકો વિશ્ર્વાસના આધારે રોકાણ કર્યું હતું અને હજુ ફરિયાદ કરવા આગળ આવ્યા નથી.ધોળકા ટાઉન પોલીસ સ્ટેશને આ મામલે ગંભીરતા દાખવી ઘનશ્યામ સોની અને તેના બંને પુત્રો યશ તથા દીપ સોની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.