ગાંધીનગરના કુડાસણમાં વિઝા કૌભાંડ,એજન્ટે ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા આપી ૨૮ લાખ પડાવ્યા

વિદેશ જવાની ઘેલછા ધરાવતા યુવાનોને નિશાન બનાવી ગાંધીનગરના કુડાસણમાં વિઝા એજન્સીના નામે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. કુડાસણમાં ઓફિસ ધરાવતા મહેસાણાના એક એજન્ટે ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા લેટર આપીને ૨૮ લાખની રોકડ અને અસલ પાસપોર્ટ પડાવી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

ગાંધીનગરના સરઢવ ગામના વિશાલ મહેન્દ્રભાઈ સથવારાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા જવા માટે કુડાસણ સ્થિત સિદ્ધરાજ ઝેડ સ્ક્વેરમાં આવેલી ‘એસ.એમ. વિઝા કન્સલ્ટન્સી’નો સંપર્ક કર્યો હતો. અહીં તેમની મુલાકાત એજન્ટ ધ્રુવ સંજયભાઇ પ્રજાપતિ (રહે. વિસનગર, મહેસાણા) સાથે થઈ હતી. એજન્ટે વિશ્વાસ કેળવી ઓસ્ટ્રેલિયાના વિઝિટર વિઝા અપાવવાના બહાને પરિવારના ૬ અસલ પાસપોર્ટ મેળવી લીધા હતા.

થોડા સમય બાદ એજન્ટ ધ્રુવે વિશાલભાઈને વોટ્‌સએપ પર વિઝાની કોપી મોકલી હતી. જાકે, જ્યારે આ વિઝાની ખરાઈ કરાવવામાં આવી ત્યારે મોટો ધડાકો થયો હતો કે આ તમામ વિઝા લેટર નકલી હતા. એજન્ટે માત્ર વિઝા જ નહીં, પણ વિશાલભાઈના અસલ પાસપોર્ટ પણ પરત આપ્યા નહોતા અને ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધ્રુવ પ્રજાપતિએ માત્ર વિશાલભાઈ જ નહીં, પણ અન્ય યુવાનોને પણ પોતાની જાળમાં ફસાવ્યા હતા. જેમાં તેણે કેવીન પટેલ પાસેથી ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝાના નામે ૧૮,૦૦,૦૦૦ અને શુભમ પ્રજાપતિ પાસેથી ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને ૧૦,૦૦,૦૦૦ ખંખેર્યા હતા. આમ, કુલ ૨૮ લાખની છેતરપિંડી આચરીને એજન્ટ ફરાર થઈ ગયો છે. હાલ ઇન્ફોસિટી પોલીસે વિશાલભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધીને એજન્ટને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.