દે.બારીઆના પાનમ અને ઉજજવળ નદીમાંથી ગેરકાયદેસર બેરોકટોક થતું રેતી ખનન

દે.બારીઆ તાલુકામાં નદી કાંઠા વિસ્તારના ગામડાની જનતાની જીવાદોરી સમાન ગણાતી પાનમ અને ઉજજવળ નદીઓમાં વરસાદ પહેલા સફેદ રેતીનો જથ્થો વિપુલ પ્રમાણમાં હતો. જે સફેદ રેતી જેસીબી અને હિટાચીથી ખોદકામ કરી લઈ જવાતા બંને નદીઓમાં ઉંડા ખાડા પડી ગયા છે. નદી કાંઠાના ખેતરોમાં પણ ગેરકાયદે ખોદકામ કરી ખેતરોને પણ મોટુ નુકસાન રેતી માફિયાઓ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.

દે.બારીઆ તાલુકાના જુના બારીઆ, ઉંચવાણ, ચેનપુર, ભથવાડા ગામમાંથી પસાર થતી પાનમ અને વિરોલ,ભડભા, રાતડિયા, ગામની ઉજજવળ નદીના પટમાંથી ગેરકાયદે રેતી ખનનનો ધંધો ફુલોફાલ્યો છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસર રેતી લીઝ પરમીટ આપવામાં આવે છે. પરંતુ લીઝ ધારકો દ્વારા પરમીટ કરતાચાર ગણી વધુ લીઝ ગેરકાયદે ધમધમી રહી હોવાનુ જાણવા મળ્યુ છે. દે.બારીઆ તાલુકાના ભડભા અને વિરોલ ગામમાં ઉજજવળ નદી અને જુના બારીઆ ગામની પાનમ નદીના પટમાંથી ગેરકાયદે રેતીખનન થતાં મોટા મકાન પણ ડુબી જાય તેટલા ઉંડાખાડા જોવા મળી રહ્યા છે. રોજ વહેલી સવારથી મોડી રાત સુધી રેતી ખનન પ્રક્રિયા ચાલતી હોય છે.