દાહોદમાં છેલ્લા કેટલાય સમયથી વધી રહેલા રખડતા કૂતરાઓના આતંકને મામલે લોક રજૂઆતોના પગલે દાહોદ નગરપાલિકાએ રખડતા કુતરા પકડવા માટે વિશેષ ડોગ કેચર વાન વસાવ્યાને પણ એકાદ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં તે ડોગ કેચર વાનનો ઉપયોગ કરવામાં દાહોદ પાલિકાના સત્તાધીશો હજુ કોની રાહ જોઈ રહ્યા છે? તે યક્ષ પ્રશ્ર્ન આજે દાહોદ વાસીઓ માટે હાલ પૂરતો તો એક કોયડો બનીને રહી જવા પામ્યો છે.
દાહોદ શહેરમાં રખડતા ઢોરોની જેમ રખડતા કૂતરાઓનો આતંક પણ ચરમ સીમા વટાવી ઘણા લાંબા સમયથી દાહોદ વાસીઓને તોબા પોકારાવી રહ્યો છે. કુતરૂ કરડવાની ઘટનાઓ પણ છાશવારે દાહોદ વાસીઓને વિચલિત કરી રહી છે. ગત વર્ષે દાહોદના હનુમાન બજારમાં રહેતા એક વિદ્યાર્થીને શાળાએ જતી વેળાએ રખડતા કૂતરાએ બચકા ભરી લેતા તેને તાત્કાલિક હોસ્પિટલ ભેગા થવું પડ્યું હતું. આ મામલે તે વિદ્યાર્થીના વાલીએ નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો વિરૂદ્ધ પોલીસમાં અરજી પણ આપી હતી. પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા જે તે વખતે રખડતા કુતરા પકડવા માટેની કોઈપણ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી ન હતી. નક્કર અને પરિણામ લક્ષી કામગીરી કરવાના બદલે એસબીસી રૂલ્સ મુજબ વેટરનીટી ડોક્ટર તથા ડોગ વાનની વ્યવસ્થા કર્યા વિના આનન ફાનનમાં તારીખ 24-12-2024 ના રોજ જાવક નંબર-249/2024ના વર્કઓર્ડરથી કુતરા/ભૂંડ પકડવાની કામગીરી દાહોદ સિંગલ ફળિયામાં રહેતા ત્રિલોકસિંહ જીવનસિંહ સીકલીગરને સોંપવામાં આવી હતી. પરંતુ તે વખતે પકડાયેલા ભૂંડ અને કુતરાઓ પડોશી તાલુકાના ગામડાઓમાં છોડવામાં આવતા ગ્રામ્ય જનો દ્વારા તેનો સખત વિરોધ કરાતાં વેટરનીટી ડોક્ટર તથા ડોગ વાનની વ્યવસ્થા કરવામાં આવે ત્યાં સુધી આ કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવા દાહોદ પાલિકાના ચીફ ઓફિસરે તારીખ 30-12-2024 ના રોજ પત્ર દ્વારા ત્રિલોકસિંહ જીવનસિંહ સીકલીગરને આદેશ આપ્યો હતો. આમ તે વખતે કુતરા પકડવાની કામગીરી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. . આ વાતને પણ આજે 11 મહિના જેટલો સમય થવા આવ્યો છે. પ્રખરતા કુતરાઓનો આતંક તો દિવસે દિવસે વધતો જ ગયો છે. તે ગંભીર બાબતને ધ્યાને લઈ દાહોદ નગરપાલિકાએ કુતરા પકડવા માટે એબીસી રૂલ્સ મુજબ નવું ડોગ કેચર વાન પણ વસાવી લીધું છે. તે વાતને પણ ખાસ્સો સમય થઈ ગયો છે. તેમ છતાં પાલિકા દ્વારા હજી સુધી કુતરા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. કુતરા પકડવા માટે દાહોદ પાલિકાએ વસાવેલું આ ડોગ કેચર વાન પાલિકાના સત્તાધીશોની બેદરકારીની ચાડી ખાતું દાહોદ સીટી ગ્રાઉન્ડમાં ધૂળ ખાઈ રહ્યું છે. ત્યારે હવે આ રખડતા કૂતરાના આતંકને ડામવા તેમજ નેસ્ત નાબૂદ કરવા આ ડોગ કેચર વાનનો ઉપયોગ કરવા હવે કોની રાહ જોવાઇ રહી છે?