સ્માર્ટ સિટી દાહોદના પહોળા કરાયેલા રાજમાર્ગો પર સીટી બસ ક્યારે દોડશે?

દાહોદ સ્માર્ટ સિટી બનવાનું જાહેર થતા જ દાહોદ વાસીઓ સ્માર્ટ સિટીના સપના જોવા લાગ્યાં હતાં. દાહોદને સ્માર્ટ સિટી બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી, રસ્તાઓ પહોળા કરવા મેગા ડિમોલીશન હાથ ધરાયું, અસંખ્ય દુકાનો તૂટી, કંઈ કેટલાય લોકો રોજગાર વિહોણા બન્યા, શહેરના રાજમાર્ગો પહોળા થયા, શહેરમાં સ્ટેડિયમ બન્યું, મ્યુઝિયમ બન્યું, દાહોદના છાબ તળાવના નામ અને કલેવર બદલાયા, દુધીમતી રીવર ફ્રન્ટ બન્યું. દાહોદમાં રોડ પહોળા થતા પહેલા જ સીટી બસ દોડાવવાના પ્લાનિંગો કરવામાં આવ્યા, અને રોડ પહોળા થતા પહેલા જ ચાર જેટલી નવી નકોર સીટી બસો લાખોના ખર્ચે ખરીદવામાં આવી. શહેરના રસ્તા તો જરૂર પહોળા થયાં, પરંતુ સીટી બસ તે પહોળા રસ્તા પર હજી દોડતી થઈ નથી. અને તે નવી નકોર સીટી બસો પણ આજે છેલ્લા કેટલાય સમયથી દાહોદના સીટી ગ્રાઉન્ડના એક ખૂણામાં ધૂળ ખાતી જોવા મળી રહી છે. શું સીટી બસો દોડે તેવા રસ્તા હજી સ્માર્ટ સિટી દાહોદના બન્યા નથી કે શું? અને ન બન્યા હોય તો ક્યારે બનશે? અને દાહોદના રાજમાર્ગો પર સીટી બસ ક્યારે દોડતી થશે? તે યક્ષ પ્રશ્ર્ન આજે દાહોદના જનમાનસમાં વાગોળાઈ રહ્યો છે ત્યારે સીટી બસની દાહોદ વાસીઓની આશા પૂરી થશે કે નહીં તે તો આવનાર સમયે જ બતાવશે.