દાહોદ જિલ્લામાં 64,609 ખેડુતો કમોસમી વરસાદના પાક સહાયની પ્રતિક્ષામાં

વર્ષ-2025 ના ઓકટોબર-નવેમ્બર મહિના દરમિયાન પડેલા કમોસમી માવઠાએ દાહોદ જિલ્લાના ખેડુતોને રડાવી દીધા છે. અણધાર્યા વરસાદના કારણે ખેતરોમાં તૈયાર થયેલા ડાંગર અને સોયાબીન સહિતના મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થયુ હતુ. સરકારે પાક સહાયની જાહેરાત કર્યા બાદ અત્યાર સુધી જિલ્લાના કુલ 64,609 ખેડુતોએ વળતર મેળવવા માટે અરજીઓ કરી છે.

દાહોદ જિલ્લામાં પાકને થયેલા નુકસાનના સર્વે મુજબ સોૈથી વધુ અસર દાહોદ, ઝાલોદ અને દે.બારીઆ તાલુકામાં જોવા મળી છે. આ વિસ્તારોમાં ડાંગર અને સોયાબીનનો 5ાક મોટાપાયે પલળી જતાં કે સડી જતાં ખેડુતોના સપના તુટી ગયા હતા. આખા જિલ્લામાં પાક ખરાબ થતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતાં શિયાળુ પાકનુ વાવેતર પણ મુશ્કેલ બની ગયુ હતુ. કમોસમી માવઠાના કારણે ખેડુતોની આર્થિક સ્થિતિ કથળી હતી. ત્યારે રાજય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ખેતીવાડી વિભાગની 110 ટીમોએ તમામ ગામોને આવરી લઈને યુદ્ધના ધોરણે સર્વે કરતા 49,000 થી વધુ હેકટર વિસ્તારમાં પાક નુકસાન થયુ હોવાનુ સામે આવ્યુ હતુ. ત્યારે પાક સહાયની જાહેરાતના પ્રતિસાદ રૂપે 64,609 ખેડુતોએ નિયત સમય મર્યાદામાં પાક સહાય માટે અરજી નોંધાવી છે. આ અરજીઓ જિલ્લામાં થયેલા નુકસાનની ગંભીરતા દર્શાવે છે. હાલમાં ખેડુતોની નજર સરકારી તંત્ર પર ટકેલી છે. સર્વેની પ્રક્રિયા પુર્ણ થયા બાદ અને આટલી મોટી સંખ્યામાં અરજીઓ આવ્યા પછી હવે ખેડુતો પાક સહાયની રકમ તેમના ખાતામાં જમાં થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.