દાહોદમાં એ.ટી.એમ.માં મદદના બહાને કાર્ડ બદલી શિક્ષકના ખાતામાંથી રૂ.૭૬,૫૦૦ ઉપાડી લેતો ઠગ

દાહોદ એ.ટી.એમ.માંથી રૂપિયા ઉપાડવા ગયેલા શિક્ષકને મદદ કરવાના બહાને એક શખ્સે તેમનુ એ.ટી.એમ.કાર્ડ બદલી નાંખ્યુ અને ત્યારબાદ અસલ કાર્ડનો ઉપયોગ કરીને ખાતામાંથી રૂ.૭૬,૫૦૦/-ઉપાડી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

દાહોદના માણેક ચોક પાસે આવેલી એસ.બી.આઈ.મેઈન બ્રાન્ચના એ.ટી.એમ.માં આ ધટના બની હતી. શખ્સે પહેલા શિક્ષકનો વિશ્ર્વાસ કેળવી કાર્ડ હાથમાં લીધુ, રૂપિયા ઉપાડવાની પ્રક્રિયા નિષ્ફળ ગઈ હોવાનુ કહી કાર્ડ પરત કર્યુ અને શિક્ષક ધરે જતા રહ્યા હતા. બીજા દિવસે બેંકમાં ખાતુ તપાસતા સમગ્ર ખેલ બહાર આવ્યો હતો.

દાહોદના ગોવિંદનગર મંડાવાવ રોડના ૪૭ વર્ષિય કિરીટકુમાર ધિંગા વ્યવસાયે શિક્ષક છે. પગારનુ ખાતુ એસ.બી.આઈ.ની લીમખેડા શાખામાં છે. એ.ટી.એમ.કાર્ડ પર બેંક દ્વારા મળેલુ હતુ. ૫ ઓગસ્ટના રોજ સાંજના સમયે તેઓ પત્નિ સાથે યાદગાર ચોક પાસેથી એસ.બી.આઈ.મેઈન બ્રાન્ચમાં ‚પિયા ઉપાડવા ગયા હતા. શિક્ષક એ.ટી.એમ.માં ગયા હતા. જયારે પત્નિ બહાર ઉભી હતી. તે સમયે એ.ટી.એમ.માં અન્ય ચાર પણ હાજર હતા. શિક્ષક ‚પિયા ઉપાડવાની પ્રક્રિયા કરી રહ્યા હતા ત્યારે તેમની નજીક રહેલા એક અજાણ્યા શખ્સે ‘લાવો હું પૈસા ઉપાડી આપુ’ કહી કાર્ડ હાથમાં લીધુ હતુ. પરંતુ પ્રક્રિયા પુર્ણ ન થતાં શખ્સે એ.ટી.એમ.માં ટેક્નિકલ ખામી હોવાનુ જણાવ્યુ હતુ. આ દરમિયાન તેણે શિક્ષકનુ અસલ એ.ટી.એમ.કાર્ડ પોતાની પાસે રાખી લીધેલુ હતુ. અને તેના બદલે હાશીમ અન્સારીના નામનુ એ.ટી.એમ.કાર્ડ શિક્ષકને પરત આપી દીધુ હતુ. કાર્ડ બદલાઈ ગયુ હોવાની જાણ શિક્ષકને તે સમયે થઈ ન હતી. શિક્ષકને એ.ટી.એમ.માં ટેક્નિકલ ખામી હોવાનુ માની લીધુ હતુ. ત્યારબાદ તેઓ પત્નિ સાથે ધરે પરત ગયા હતા. જયારે બીજા દિવસે શિક્ષક પોતાના એસ.બી.આઈ.ખાતાની તપાસ કરવા લીમખેડા બ્રાન્ચમાં ગયા હતા. ગઠિયાએ તેમના ખાતામાંથી ટુકડે ટુકડા કરી ૭૬,૫૦૦/-ઉપાડી લીધા હોવાનુ સામે આવ્યુ હતુ. આ મામલે પોલીસે ૨૩ દિવસ બાદ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.