છોટાઉદેપુર તાલુકામાં આંત્રોલી ગ્રામ પંચાયતમાં આઝાદીના 78 વર્ષ બાદ પણ પાંચ જેટલા રસ્તા હજુ પણ કાચા

છોટાઉદેપુર તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવતા આંત્રોલી ગ્રામ પંચાયતમાં આવતા પાંચ જેટલા કાચા રસ્તા આઝાદીના 78 વર્ષ બાદ પણ હજુ પાકા નહિ બનતા ગ્રામજનો દ્વારા રજુઆત કરવામાં આવી છે.

આંત્રોલી ગ્રામ પંચાયતના કોલીનો ગામના સિંધી ફળિયા પ્રા.શાળાથી ઉખલવાંટ ગામની પ્રા.શાળા સુધીનો 3 કિ.મી.નો માર્ગ, ધોધાદેવ ગામની પ્રા.શાળાના મુખ્ય રસ્તાથી ધડાગામ ખરાડી ફળિયા ગામની પ્રા.શાળા સુધીનો 4 કિ.મી.નો માર્ગ, ચંદુવાટ ગામની પ્રા.શાળાના મુખ્ય રસ્તાથી દેવાહાંટ જતા મુખ્ય રસ્તા સુધીનો 3 કિ.મી.નો માર્ગ, આંત્રોલી ગામનામુખ્ય રસ્તાથી મસાણી ફળિયા સુધીનો રસ્તો એક કિ.મી. આંત્રોલી ગામના મુખ્ય રસ્તાથી કાળીયાઝોરૂ ફળિયા સુધીનો 3 કિ.મી.નો માર્ગ, ધોધાદેવના મુખ્ય રસ્તાથી ધોધાદેવ સ્મશાન સુધીનો 2 કિ.મી.નો માર્ગ બનાવવા માટે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. આંત્રોલી જુથ ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ રૂપસિંગ રાઠવાની આગેવાનીમાં છોટાઉદેપુર જિલ્લા કલેકટરને આપેલા આવેદન મુજબ આંત્રોલીમાં અતિ આંતિયાળ ગ્રામિણ વિસ્તારમાં આવેલા ગામોમાં રસ્તાઓ આઝાદીના 78 વર્ષ બાદ 12 ગામના રસ્તા આજ સુધી પાકા બન્યા નહિ હોવાથી ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તા જેવી પ્રાથમિક સુવિધા નહિ હોવાથી ઈમરજન્સી આરોગ્ય સેવા અને શૈક્ષણિક સેવા, જિલ્લા મથકે અવર જવર કરવામાં હાલાકી પડી રહી છે. અંદાજે 1500ની વસ્તી ધરાવતા ગામના કાચા રસ્તા અંગે વારંવાર ગ્રામજનોએ રજુઆત કરી છે. ચોમાસા દરમિયાન ગ્રામજનોને પાકા રસ્તાના અભાવે હાલાકી પડે છે ત્યારે આ મુખ્ય રસ્તો હોવાથી ચોમાસા દરમિયાન 12 ગામના લોકો સંપર્ક વિહોણા બની જાય છેે. તેવુ આવેદનમાં જણાવ્યુ છે.