છોટાઉદેપુર પાલિકા પ્રમુખનો જાતિનો દાખલો બોગસ સાબિત થવા છતાં કલેકટર દ્વારા પગલાં ન ભરાતા લોકોમાં રોષ

છોટાઉદેપુર નગરપાલિકાના ૫્રમુખ મંજુલાબેન કિશનભાઈ કાળી વોર્ડ નં.-૪માં અનુસુચિત જનજાતિની અનામત બેઠક ઉપર ચુંટણી લડી વિજેતા થયા હતા. તેઓને છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ભાજપ દ્વારા બનાવ્યા હતા. જેમણે સત્તા પર બેસવાને માટે બોગસ જાતિનો દાખલો મુકયો હતો. તેમ છતાં કલેકટરને તેમની સામે કોઈ પગલા ન લેતા ચર્ચા ઉઠી છે.

છોટાઉદેપુરના એક નાગરિકે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખનો જાતિનો દાખલો બોગસ હોવાનો વિશ્ર્લેષણ સમિતિમાં અરજી કરતા તે દાખલો રાઠવા જાતિનો બોગસ હોવાનો સાબિત થતાં છોટાઉદેપુર મામલતદાર ત્રણ જેટલી નોટિસો આપીને દાખલો જમાં કરાવવા માટે આદેશ કરવા છતાંય દાખલો જમાં ન કરાવતા સમગ્ર મામલામાં ભાજપના નેતાઓ નગરપાલિકાના ૫્રમુખને બચાવવા માટે મેદાને પડ્યા હતા. જયારે નિયમ મુજબ વિશ્ર્લેષણ સમિતિમાં દાખલો બોગસ સાબિત થાય ત્યારે નૈતિકતાના ધોરણે પ્રમુખે રાજીનામું આપી દેવુ જોઈએ. તેમજ જિલ્લા કલેકટરે નગરપાલિકાના પ્રમુખને હોદ્દા ઉપરથી દુર કરવા માટે કાર્યવાહી કરવી જોઈએ.પરંતુ બે માસનો ઉપરાંતનો સમય વિતી જવા છતાંય પ્રમુખ સામે કોઈ કાર્યવાહી ન થતાં હાલ આવા બોગસ દાખલાવાળા પ્રમુખને તંત્રના અધિકારીઓ છાવરી રહ્યા હોવાની ચર્ચાઓ ઉઠી છે. ભાજપના નેતાઓ પણ પોતાની છબી ખરાબ ન થાય તે માટે પ્રમુખને ખુરશી પર બેસાડી રાખ્યા છે જેને લઈને લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. સામાન્ય માણસ ઉપર કાયદો લાગુ થતો હોય છે ત્યારે આવા મોટા નેતાઓ ઉપર કોઈ કાયદો લાગુ થતો ન હોવાનુ ફલિત થયુ છે.