કવાંટના ધનીવાડમાં સરકારી ગ્રાન્ટ કે ટેન્ડર વિના યુવાનોએ પાવડો-કોદારી હાથમાં લઈ રસ્તો જાત મહેનતે દુરસ્ત કર્યો

વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે કયારેક કોઈ ગામ એવી પ્રેરણાદાયી કથા લખી જાય છે. જે સરકારના સરકારી અહેવાલોમાં નહિ, પરંતુ સીધા લોકોના હૃદયમાં સ્થાન પામે છે. કવાંટ તાલુકાની સમલવાટ ગ્રામ પંચાયતના ધાનીવાડા ગામે પણ એક એવી જ ગોૈરવશાળી અને પ્રેરણાદાયી ગાથા રચાઈ રહી છે. જયાં તંત્રની નિષ્ક્રિયતા સામે ગામની જાગૃત યુવાની વિજયી બની છે.

ધનીવાડા ગામના ઉચલા ફળિયાના મુખ્ય કોંક્રિટ માર્ગમાં છેલ્લા લગભગ ચાર વર્ષથી મોટુ પોલાણ પડી ગયુ હતુ. આ માર્ગ માત્ર એક રસ્તો નથી. પરંતુ ગામની જીવનરેખા છે. ખેડુતો પોતાના ૫ાક સાથે, પશુપાલકો દુધ લઈને, માસુમ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યના સપના સાથે અને સામાન્ય ગ્રામજનો પોતાના રોજિંદા કામ અર્થે આ જ માર્ગેથી પસાર થાય છે. પરંતુ રસ્તાની બંને બાજુએ પડેલા આ જોખમી પોલાણ અને ધોવાણ દરેક સફરતે અકસ્માતના ભયના ઓથાર હેઠળ લાવી દીધી હતી. જેથી યુવાઓને પોતાના રોજગાર, ખેતી અને અંગત કામોને થોડા સમય માટે વિરામ આપ્યો. કોઈએ કામ માટે મશીનરી આપી, કોઈએ આર્થિક સહયોગ આપ્યો, તો કોઈએ પોતાના હાથનો પરસેવો વહાવ્યો. પાવડા , કોદાળી અને તગારા સાથે શ‚ થયેલો આ શ્રમયજ્ઞ થોડા જ સમયમાં લોહસહભાગિતાના ઉત્સવમાં પરિવર્તિત થઈ ગયો હતો. ગામના યુવાનોએ પોતાના અંગત ખર્ચે પાંચ ટ્રેકટર મેટલ અને જ‚રી પુરાણ સામગ્રી મંગાવી હતી. સામુહિક શ્રમદાન કરીને રસ્તના પોલાણને વ્યવસ્થિત ભરી માર્ગને ફરી એકવાર સંપુર્ણ સલામત બનાવી દીધો. આ ભગીરથ કાર્યમાં કોઈ સરકારી ગ્રાન્ટ નહોતી. કોઈ ટેન્ડર નહોતુ. કે કોઈ ઉદ્ધાટનનો મંચ નહોતો. માત્ર ગામના યુવાનોના મજબુત ઈરાદા અને સમાજ પ્રત્યેની નિ:સ્વાર્થ ભાવના.