છોટાઉદેપુરના સાત તાલુકામાં 2,700 ટનથી વધુ ખાતરનો જથ્થો ફળવાયો

છોટાઉદેપુર જિલ્લાના સાત તાલુકામાં 2,700 ટનથી વધુ ખાતરનો જથ્થો ફળવાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાતર ખરીદવા માટે ખેડુતોની લાંબી લાઈનો લાગતી હતી. જેને લઈને જિલ્લા ખેતીવાડી ટેક્નિકલ વિભાગ દ્વારા રજુઆત કરાતા ખાતરનો જથ્થો ફળવાયો હતો. છોટાઉદેપુર જિલ્લાના સાત તાલુકાના ખાતર વિતરણ કેન્દ્રો ઉપર સરખા ભાગે ખાતરનો જથ્થો ફાળવવામાં આવે તો દરેક ખેડુતોને ખાતર મળી શકે એવી ખેડુતોની માંગ છે.

છોટાઉદેપુર જિલ્લાના સાત તાલુકામાં મકાઈનુ વાવેતર થતાં ખાતરની અછત સર્જાતા ભારે ઉહાપોહ મચતા સરકાર દ્વારા પ્રથમ વાર મોટી માત્રામાં ખાતરનો જથ્થાની ફાળવણી કરી છે.જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ યુરિયા ખાતરની અછત થતાં આ અઠવાડિયામાં 827 મેટ્રીક ટન, 800 મેટ્રીક ટન, અને 1100 મેટ્રીક ટન, ખાતરનો જથ્થો મળી જિલ્લાને 2727 મે.ટન નો જથ્થો મળેલ છે. જેમાંથી 1460 મેટ્રીક ટનનો જથ્થો જિલ્લાના તમામ તાલુકામાં વિતરણ કરાયો છે. આગામી બે દિવસમાં 1267 મે.ટન જથ્થો વિતરણ કરાશે. હાલ રવિ સીઝનનુ વાવેતર મોડું થવાના કારણે મકાઈનુ વાવેતર કરાયુ છે.જેથી ખાતરની ડિમાન્ડ વધી છે.