
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના સૂર્યાઘોડાથી મોરખાલા, સાગધરા અને વાઘોડિયા તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા નાળાની કિનારી ચોમાસાના વરસાદી પાણીના વહેણથી ધોવાઈ જતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. બોડેલી તાલુકાના મુખ્ય માર્ગ પર નાળાનું બાંધકામ લાંબા સમયથી મંથર ગતિએ ચાલી રહ્યું છે.
આમ, છતાં સ્થળ પર પૂરતી સેફટી વ્યવસ્થા કરવામાં ન આવી હોવાના આક્ષેપો વચ્ચે અકસ્માતની ભીતિ વધી છે. વરસાદી પાણીના વહેણથી નાળાની બાજુની માટી અને કપચી ધોવાઈ જતાં માર્ગની કિનારીનો કેટલોક ભાગ તૂટી ગયો છે.
પરિણામે રસ્તો સાંકડો બન્યો છે. સામસામે વાહનો પસાર થતા સમયે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને વાહન નાળાની તરફ ધસી જવાની શક્યતા રહે છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ નાળાની સ્થિતિ લાંબા સમયથી ખરાબ હોવા છતાં હજુ સુધી અસરકારક મરામત અને સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. ચોમાસામાં પાણીનો પ્રવાહ વધે તો ધોવાણ વધુ થવાની શક્યતા હોવાથી સ્થિતિ વધુ વિકટ બની શકે છે.
માર્ગ સલામતીને લઈ તંત્ર જાગે તેવી લોકોની માંગ ઉઠી છે. નાળાનું બાંધકામ ઝડપથી પૂર્ણ કરાય તેમજ રેલિંગ, બેરિકેડિંગ અને ચેતવણીના બોર્ડ સહિતની જરી સેફટી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી વાહનચાલકો અને સ્થાનિકોની માંગ છે.
રેલિંગ કે બેરિકેડિંગના અભાવે સ્થિતિ વધુ જોખમી બની બોડેલી તાલુકાના મુખ્ય માર્ગ પર થતા નાળાની કામગીરી જોખમી બની રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે યોગ્ય પ્રકાશ વ્યવસ્થા, ચેતવણીના બોર્ડ, રેલિંગ કે બેરિકેડિંગના અભાવે સ્થિતિ વધુ જોખમી બની રહે છે. આ માર્ગ પરથી સૂર્યાઘોડા, મોરખાલા, સાગધરા અને વાઘોડિયા તરફ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે.
ઉપરાંત શાળા-કોલેજ તેમજ આઈટીઆઇમાં જતા વિદ્યાર્થીઓ પણ આ જ માર્ગનો ઉપયોગ કરે છે. આવા સંજોગોમાં નાળાની જોખમી કિનારીને કારણે ક્યારેક ગંભીર અકસ્માત સર્જાય તેમ છે. ત્યારે માર્ગની ધોવાયેલી કિનારીનું તાત્કાલિક મજબૂતીકરણ કરાય તે જરી છે.