
બોડેલીમાં ₹50 કરોડના ખર્ચે મંજૂર થયેલા રેલવે ઓવરબ્રિજનું કામ આખરે શરૂ થઈ ગયું છે. લાંબા સમયથી વિવિધ અડચણોને કારણે અટવાયેલું આ કાર્ય હવે ગતિ પકડી રહ્યું છે, જે બોડેલીવાસીઓ માટે રાહતના સમાચાર છે.
આ ઓવરબ્રિજનું નિર્માણ રેલવે ફાટક બંધ થવાને કારણે વારંવાર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યાનો અંત લાવશે. વાહનચાલકો અને સ્થાનિક લોકોને ટ્રાફિકના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેમાંથી હવે મોટી રાહત મળવાની આશા છે.
આ પ્રોજેક્ટનું કામ અમદાવાદની પરફેક્ટ ઇન્ફ્રાકોન કંપનીને વર્ષો પહેલાં સોંપવામાં આવ્યું હતું. જોકે, એપ્રોચ રોડ માટે જરૂરી જમીન વન વિભાગ હેઠળ આવતી હોવાથી NOC મેળવવામાં વિલંબ થયો હતો. આ ઉપરાંત, ડાઇવર્ઝન માટેની જગ્યા ઉપલબ્ધ ન હોવા સહિતની સમસ્યાઓને કારણે કામ લાંબા સમયથી અટકેલું રહ્યું હતું.
હાલમાં, વીજ થાંભલા ખસેડવા અને માર્ગ પરના દબાણો દૂર કરવાની કામગીરી શ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું કામ શ થતાં બોડેલીના લોકોને વર્ષોથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે તેવી આશા જાગી છે.