
કવાંટ નગરમાં આવેલા પૌરાણિક શ્રી નીલકંઠેશ્ર્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનો જનસાગર ઉમટી પડ્યો હતો. સવારથી જ શિવાલય “હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય માહોલ છવાયો હતો.શ્રદ્ધાળુઓએ ભોલેનાથને ફૂલ, બિલીપત્ર, દૂધ, જવ અને તલ અર્પણ કરીને પૂજા અર્ચના કરી હતી. ભક્તોએ પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી. આ વર્ષે મંદિરનો મુખ્ય આકર્ષણ હિંડોળા દર્શન રહ્યો હતો. અવધૂત પરિવારની બહેનો દ્વારા હિંડોળાને અત્યંત સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. હિંડોળાનો મનોરથ રાજુભાઈ જગન્નાથ સોની પરિવાર તરફથી રાખવામાં આવ્યો હતો.
ભગવાન શિવને અત્યંત પ્રિય એવા શ્રાવણ માસના પ્રથમ સોમવારથી જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દર્શન કરવા માટે દૂર દૂરથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કવાંટ પહોંચ્યા હતા.