
બોડેલી પોલીસે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલનો ઉપયોગ કરીને ₹1,22,497ની કિંમતના પાંચ ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે. આ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના ટેલિકોમ મંત્રાલયના CEIR પોર્ટલના અસરકારક ઉપયોગથી આ સફળતા મળી છે.

વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક આઈ. જી. શેખ અને બોડેલી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઇલ ફોન શોધી કાઢવાનો હતો.
બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એસ. બરંડાના નેતૃત્વ હેઠળની ટીમે વિવિધ અરજીઓની તપાસ કરી હતી. આ તપાસના પરિણામે કુલ પાંચ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હતી, જેની કુલ કિંમત ₹1,22,497 છે.
પરત કરાયેલા મોબાઈલ ફોનના માલિકોમાં અજયભાઈ બાબુભાઈ (અલીખેરવા), અજયભાઈ નકુમ (જામનગર), કિરણભાઈ નગીનભાઈ તડવી (માંકણી), ભરતભાઈ મહેન્દ્રભાઈ રાઠવા (ખાટીયાવાંટ) અને વિશાલભાઈ બચુભાઈ કોળી (સુંદરપુરા)નો સમાવેશ થાય છે. પોતાના ગુમ થયેલા મોબાઇલ ફોન પરત મળતા તમામ અરજદારોએ બોડેલી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સફળ કામગીરી દ્વારા બોડેલી પોલીસે ‘પોલીસ પ્રજાનો મિત્ર’ સૂત્રને સાર્થક કર્યું છે.