
કવાંટ તાલુકામાં જન્મ-મરણના દાખલા કઢાવવામાં નાગરિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ૨૦૧૫ પહેલાના રેકોર્ડ માટે જીલ્લા કક્ષાના એપ્રુવલમાં વિલંબ થતાં અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડે છે.
આ પ્રક્રિયા હેઠળ, ગ્રામ પંચાયત દ્વારા ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવે છે. ત્યારબાદ, આ એન્ટ્રીને જીલ્લા કક્ષાની કચેરીમાંથી મંજૂરી મળ્યા પછી જ દાખલાની પ્રિન્ટ કાઢી શકાય છે.
મુખ્ય સમસ્યા એ છે કે, આ એપ્રુવલ માટે સરકાર દ્વારા કોઈ નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. પરિણામે, એક એન્ટ્રીને મંજૂરી મળવામાં અઠવાડિયાઓનો સમય લાગી જાય છે.આ વિલંબને કારણે નાગરિકોને શાળા પ્રવેશ, આધારકાર્ડ અને પાસપોર્ટ જેવા અગત્યના કામો માટે વારંવાર તાલુકા અને જીલ્લા કચેરીના ધક્કા ખાવા પડે છે.
વિલંબના કારણે પ્રજાનો રોષ ગ્રામ પંચાયતના ઓપરેટરો અને કર્મચારીઓ પર ઉતરે છે, જેના પરિણામે પ્રજા અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના બનાવો પણ સામે આવી રહ્યા છે.