
બોડેલીના ઢોકલીયા પ્રવેશ દ્વાર નજીક મુખ્ય માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે. ચોમાસાના વરસાદને કારણે આ ખાડાઓમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ માટે માર્ગ જોખમી બન્યો છે.
માર્ગ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વરસાદી પાણી ભરાવાને કારણે ખાડાઓની ઊંડાઈનો અંદાજ આવતો નથી, જેનાથી વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
આ ખરાબ માર્ગને કારણે અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. વાહનચાલકોને ખાડાઓ ટાળવા માટે વારંવાર વાહન પર કાબૂ ગુમાવવો પડે છે, જે ગંભીર અકસ્માત નોતરી શકે છે. આ માર્ગ બોડેલી શહેરનો મુખ્ય પ્રવેશ માર્ગ છે. દિવસ દરમિયાન અહીંથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે, જેમાં સ્થાનિક લોકો અને બહારથી આવતા વાહનચાલકોનો સમાવેશ થાય છે.
સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ આ માર્ગની તાત્કાલિક તપાસ કરી ખાડાઓનું પુરાણ કરવા અને રસ્તાની રીપેરીંગ કામગીરી હાથ ધરવા માટે માંગ કરવામાં આવી રહી છે.