બોડેલીના ચાપરગોટા ગામેથી વધુ એક દિપડી પાંજરે પુરાઈ : બે મહિનામાં પાંચ દિપડી અને આઠ દિપડા પાંજરે પુરાયા

બોડેલી તાલુકામાં દિપડાઓની વધતી જતી અવર જવર વચ્ચે ચાપરગોટા ગામે વધુ એક માદા દિપડી પાંજરે પુરાતા આસપાસના ખેડુતો અને ગ્રામજનોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. છેલ્લા બે મહિનામાં ચાપરગોટા ગામે પાંચમી અને સમગ્ર બોડેલી તાલુકામાં આઠમી દિપડી પાંજરે પુરાતા દિપડાઓની વધતી જતી દહેશતનો અંદાજ આવી રહ્યો છે.

ચાપરગોટા સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ધણા સમયથી દિપડાઓની અવર જવર વધી છે. ખેતરોમાં કામ કરતા ખેડુતો અને ગ્રામજનોમાં દિપડાના ભયને કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ચાપરગોટા ગામે વધુ એક માદા દિપડી પાંજરે પુરાતા ગ્રામજનોને હાશકારો થયો છે. ચાપરગોટાના સરપંચ મિથુન રાઠવાએ દિપડી પાંજરે પુરાઈ હોવાની જાણ બોડેલી વન વિભાગના મહિલા આરએફઓ જ્યોત્સનાબેનને કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ત્યારબાદ પાંજરે પુરાયેલી દિપડીને ટ્રેકટર મારફતે સુરક્ષિત રીતે જબુગામ વન વિભાગની નર્સરી ખાતે ખસેડવામાં આવી હતી.