બોડેલી ખત્રી વિદ્યાલયમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ:વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળીઓ અને સ્વાસ્થ્ય જાગૃતિ અપાઈ

બોડેલીની ખત્રી વિદ્યાલયમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળીઓ આપવામાં આવી હતી અને સ્વાસ્થ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

મોટીબુમડી પીએચસી સેન્ટરના ચિંતનભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી હતી. ટીમે વિદ્યાર્થીઓને શરીરમાં કૃમિના અસ્તિત્વ અને તેનાથી થતી આડઅસરો વિશે વિગતવાર માહિતી આપી હતી.

વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે કૃમિના કારણે લોહીની કમી, નબળાઈ, કુપોષણ, માનસિક વિકાસમાં અવરોધ અને ભણવામાં એકાગ્રતાનો અભાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જ્યારે કૃમિનાશક ગોળીઓ લેવાથી સ્વાસ્થ્યમાં સુધારો, શારીરિક અને માનસિક વિકાસ તેમજ અભ્યાસમાં પ્રગતિ જેવા ફાયદા થાય છે.

આ ઉપરાંત, વિદ્યાર્થીઓને રોજિંદા આહારમાં કઈ વાનગીઓ લેવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

શાળાના તમામ વિદ્યાર્થીઓને આર્મેટા ઝોન ગોળી ખવડાવવામાં આવી હતી. સિકલસેલ જેવા ગંભીર રોગોથી પીડાતા બાળકોની માહિતી પણ લેવામાં આવી હતી અને તેમને સરકાર દ્વારા મળતી મફત મેડિકલ સારવાર વિશે જાણકારી આપવામાં આવી હતી. શાળાના આચાર્ય યુ.વાય. ટપલા દ્વારા મેડિકલ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.