ભાવનગરની એલસીબી પોલીસે સોનગઢ અને અમદાવાદમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

ભાવનગર શહેર અને જિલ્લામાં એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સોનગઢ અને અમદાવાદમાં થયેલી ચોરીના બનાવમાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા બે પુરુષ અને એક મહિલાની ચોરીમાં સંડોવણી સામે આવી છે અને બંને ચોરીને લઈને એલસીબી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર શહેરની એલસીબી પોલીસ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે સોનગઢ જીથરી રોડ ઉપર આવેલી તોરણ હોટલ પાસે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો વિનોદ ઉર્ફે ઇગુડો, હિરુંબેન ગુમાનભાઈ અને કિશન ઉર્ફે મૂંગો મોટરસાયકલ લઈને ઊભા હતા. જેમની પાસે સોનાના દાગીના તથા રોકડ રકમ કે જે છળકપટ અથવા ચોરીથી મેળવ્યા હોવાની શંકાના પગલે પોલીસે તેમની પુછપરછ કરી હતી.

પોલીસની પુછપરછ ખુલ્યું હતું કે ’આજથી આશરે દસેક દિવસ પહેલાં વિનોદ ઉર્ફે ઇગુડો શિહોર,સોનગઢ વિસ્તારમાં તેના સાઢુનું મોટર સાયકલ લઇને આંટા મારતો હતો. ત્યારે સોનગઢ કહાનવાડી વિસ્તારમાંથી બપોરના સમયે બંધ મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હતી. ત્યાર બાદ પાંચ-છ દિવસ રહીને તેણે તથા કિશન ઉર્ફે મૂંગાએ અમદાવાદ, સોલા હોસ્પિટલ પાસે એકાદ-બે કિલોમીટરમાં આવેલા એક બંધ મકાનમાંથી પણ ચોરી કરી હતી.

બંને ચોરીની પૈકી સોનગઢમાં કરેલ ચોરીના સોનાના દાગીના તથા અમદાવાદની ચોરીમાં મળેલ રૂદ્દાક્ષની માળા, ઘડિયાળ તેની સગી માસી અને કુટુંબી સાસુ હિરુબેનને વેચવા માટે અને સોનગઢ ચોરીના ૨૮૦૦૦ સાચવવા માટે આપતાં હિરૂબેને આ સોનગઢની ચોરીમાં મળેલા સોનાના દાગીના તથા અમદાવાદની ચોરીની રૂદ્દાક્ષની માળા અને ઘડિયાળ તેના ઓળખીતા કલ્પેશ ઉર્ફે ભલો કાનજીભાઇ ચારોલીયા પાલીતાણાવાળાને વેચવા માટે આપેલા.

જે સોનગઢ ચોરીમાં મળેલા દાગીના કલ્પેશ ઉર્ફે ભલાએ તેના ઘરે ઓગાળીને સોનાનો ઢાળીયો બનાવી આપેલ હોવાનું અને તેની પાસેથી મળી આવેલ રોકડ રકમ અમદાવાદમા ચોરી કરેલી તેમાં મળેલા હોવાનું અને કિશન ઉર્ફે મૂંગાએ પણ તેની પાસેથી મળી આવેલી રોકડ ૫૦,૦૦૦ રૂપિયા અમદાવાદ ચોરીમાં ભાગમાં આવેલ હોવાનું જણાવ્યું હતું. આથી એલસીબીએ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે સોનગઢ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલા છે. આ અંગે અમદાવાદ શહેર, સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

એલસીબી પોલીસે વિનોદ ઉર્ફે ઇગુડો ઉર્ફે ગોવિંદ ઉર્ફે મૂંગો ધીરુભાઈ સરવૈયા ૨૦ વર્ષીય ધંધો શાકભાજી ગુંદાળા વિસ્તાર ખાખરીયા ગામના પાટીયા પાસે સિહોરવાળાને અને કિશન ઉર્ફે મૂંગો મુકેશભાઈ પરમાર ૧૯ વર્ષીય ધંધો મજૂરી પાલીતાણાવાળાને ઝડપી લીધા છે.જ્યારે હીરૂબેનને સમજણ આપીને હાજર થવા કહ્યું હતું. પોલીસે રોકડ ૧,૪૨,૦૦૦, હોન્ડા સાઈન બાઈક સહિત સોનાના ઘરેણા, મોબાઈલ મળીને કુલ ૧૧,૭૧,૬૦૦ ના મુદ્દામાલ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા છે. જ્યારે અમદાવાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.