ભાવનગરમાં ૮૦ વર્ષીય વૃદ્ધા સાથે ઠગાઈ, વિધિના નામે સાડીના છેડામાં રોકડ-દાગીના લઈ મહિલા ફરાર

જીવનમાં તકલીફો અને મુશ્કેલીઓ આવતી રહે છે, પરંતુ આવી પરિસ્થિતિમાં અંધશ્રદ્ધાનો રસ્તો ક્યારેય અપનાવવો જાઈએ નહીં. શ્રદ્ધા આપણા જીવનનો આધાર બની શકે છે, પરંતુ અંધશ્રદ્ધા ક્યારેય મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. કોઈપણ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે તેનો લાભ ઉઠાવીને ઠગાઈ કરનારા લોકો પણ સમાજમાં જોવા મળે છે. તેથી મુશ્કેલીના સમયે સમજદારી રાખવી અને અજાણી વ્યક્તિની વાતોમાં આવીને પૈસા કે કિંમતી વસ્તુઓ ન આપવી ખૂબ જરૂરી છે. આવી જ એક ચોંકાવનારી ઘટના ભાવનગરના ઉમરાળા તાલુકાના લીંમડા હનુભા ગામમાં સામે આવી છે, જ્યાં અંધશ્રદ્ધાના નામે ૮૦ વર્ષીય વૃદ્ધા સાથે રૂ.૨૨ હજાર ૫૦૦ની છેતરપિંડી કરવામાં આવી છે.

ભાવનગરના ઉમરાળા તાલુકાના લીંમડા હનુભા ગામમાં અંધશ્રદ્ધાના નામે ૮૦ વર્ષીય વૃદ્ધા સાથે છેતરપિંડીનો બનાવ સામે આવતા ચકચાર મચી છે. એક અજાણી મહિલાએ વૃદ્ધાને વિધિ કરવાના નામે વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ વિધિ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે અને માયા નીકળશે તેવી વાતો કરીને વૃદ્ધાને પોતાની વાતોમાં ફસાવી હતી. મહિલાની વાત પર વિશ્વાસ કર્યા બાદ વૃદ્ધાએ તેની કહ્યા મુજબ વિધિ કરવા માટે જરૂરી વસ્તુઓ આપી હતી. જાકે, આખી ઘટનામાં મહિલા વિધિના બહાને વૃદ્ધા પાસેથી રોકડ અને સોનાના દાગીના પડાવીને ફરાર થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, લીંમડા હનુભા ગામની ૮૦ વર્ષીય વૃદ્ધા પોતાના ઘરે હતી ત્યારે અજાણી મહિલા ત્યાં આવી હતી. મહિલાએ પોતાની ઓળખ ભૂવી તરીકે આપી હતી અને વિધિના નામે વૃદ્ધાને વાતોમાં લીધી હતી. મહિલાએ વૃદ્ધાને વિશ્વાસમાં લઈને વિધિ કરવાની વાત કરી હતી. ત્યારબાદ તેણે વૃદ્ધાની સાડીના છેડામાં મીઠું, રોકડ રકમ અને સોનાની બુટી મુકાવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વૃદ્ધાને એવું લાગ્યું હતું કે મહિલા ખરેખર કોઈ વિધિ કરી રહી છે અને તેના કારણે ઘરમાંથી મુશ્કેલી દૂર થશે.

મહિલાએ વૃદ્ધાની સાડીના છેડામાં રૂ.૨,૫૦૦ રોકડા અને સોનાની બુટી સહિતની મત્તા મુકાવી હતી. આ તમામ વસ્તુઓની કુલ કિંમત રૂ.૨૨ હજાર ૫૦૦ જેટલી હોવાનું સામે આવ્યું છે. વિધિ પૂર્ણ કરવાના નામે મહિલાએ સાડીના છેડામાં મુકેલી વસ્તુઓનું પોટલું બનાવી દીધું હતું. ત્યારબાદ મહિલાએ વૃદ્ધાને કહ્યું હતું કે તે બપોરે ૨ વાગ્યે વિધિ કરવા માટે પરત આવશે. આ વાત કહીને મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી.

વૃદ્ધા પણ મહિલાની વાત પર વિશ્વાસ રાખીને બપોરે ૨ વાગ્યા સુધી તેની રાહ જાતી રહી હતી. પરંતુ ૨ વાગ્યા બાદ પણ મહિલા પરત આવી નહોતી. લાંબો સમય રાહ જાયા બાદ વૃદ્ધાને સમગ્ર મામલે શંકા ગઈ હતી. મહિલાએ વિધિના નામે પોતાની સાથે છેતરપિંડી કરી હોવાનું વૃદ્ધાના ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરવામાં આવી હતી.

આ ઘટનામાં પોતાની સાથે રૂ.૨૨,૫૦૦ની છેતરપિંડી થઈ હોવાનું સમજાતા વૃદ્ધાએ આ મામલે પોલીસનો સંપર્ક કર્યો હતો. વૃદ્ધા દ્વારા ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં વિધિના નામે મહિલા દ્વારા પોતાની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની વિગતો આપવામાં આવી છે. ફરિયાદ મળ્યા બાદ ઉમરાળા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે અજાણી મહિલાની ઓળખ મેળવવા સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.