બાલાસિનોર તાલુકામાંથી વન વિભાગે લાકડા ભરેલ ૫ ટ્રેકટર તેમજ ૪ ટ્રકો સહિત ૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

બાલાસિનોર વન વિભાગની ટીમ દ્વારા પંચરાઉ લાકડા ભરેલ ૫ ટ્રેકટર તેમજ ૪ ટ્રકોની ઝડપી પાડી વન વિભાગ દ્વારા અંદાજિત ‚.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

મહિસાગર જિલ્લા સહિત બાલાસિનોર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર લાકડાની હેરાફેરી ચાલતી હોવાની ફરિયાદો ઉઠી હતી. બાલાસિનોર તાલુકામાં રાત્રિના સમયે હજારો ટન ગેરકાયદેસર લાકડા ભરી ટ્રેકટરો તેમજ ટ્રકો દ્વારા હેરાફેરી કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે ફરિયાદ ઉઠી હતી. જેને લઈ લુણાવાડા પરીક્ષેત્ર વન અધિકારીની સુચના મુજબ બાલાસિનોર રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફોરેસ્ટ, બીટગાર્ડ સહિત વન વિભાગના કર્મચારીઓ તાલુકાના અનેક વિસ્તારોમાં નાકાબંધીમાં હતા. તે સમય દરમિયાન તાલુકાના સરોડા, કરણપુર, વેરાસા સહિત અનેક વિસ્તારોમાંથી ગેરકાયદેસર લીલા, પંચરાઉ લાકડા ભરેલ ૫ ટ્રેકટર તેમજ ૪ ટ્રકને રોકવામાં આવી હતી. વાહનોમાં ભરેલ લાકડા અંગેનો પાસ પરમીટ માંગતા વાહનચાલકોએ પાસ પરમીટ રજુ નહિ કરતા ગેરકાયદેસર પંચરાઉ લાકડા ભરેલ વાહનો ઝડપી પાડી અંદાજિત ‚.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લાકડા ભરેલ વાહનોને બાલાસિનોર રેન્જ ઓફિસ તેમજ વેરાસ નર્સરીમાં મુકી કાર્યવાહી હાથ ધરી હતી.