
મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ: ગરીબ કલ્યાણ અને વિકાસની ઐતિહાસિક સિદ્ધિઓનો દાવો.
૨૫ કરોડ લોકો ગરીબી રેખાની બહાર આવ્યા હોવાનો દાવો, ૩૨થી વધુ દેશો તરફથી મળેલા સન્માનથી વૈશ્ર્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો હોવાનું ભાજપનું નિવેદન.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થતાં ભાજપના અગ્રણી નેતાઓ દ્વારા સરકારની વિવિધ ઐતિહાસિક સિદ્ધિઓ જાહેર કરવામાં આવી છે. ભાજપના જણાવ્યા અનુસાર અંત્યોદય’ની વિચારધારાને કેન્દ્રસ્થાને રાખીને અમલમાં મુકાયેલી ગરીબ કલ્યાણ યોજનાઓના પરિણામે દેશના ૨૫ કરોડથી વધુ નાગરિકો ગરીબી રેખાની બહાર આવ્યા છે. સરકારની મુખ્ય ઉપલબ્ધિઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ ૪ કરોડથી વધુ પરિવારોને પાકા મકાનો પૂરા પાડવામાં આવ્યા છે, જ્યારે જલ જીવન મિશન’ દ્વારા ૧૬ કરોડથી વધુ ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પીવાના પાણીની સુવિધા પહોંચાડવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રે આયુષ્માન ભારત યોજના’ હેઠળ ૬૦ કરોડથી વધુ લોકોનું નોંધણીકરણ કરવામાં આવ્યું છે, જેમાં લાભાર્થીઓને દર વર્ષે ૫ લાખ સુધીની મફત સારવારની સુવિધા મળે છે.
મધ્યમ વર્ગને રાહત આપવા માટે આવકવેરા સ મુક્તિની મર્યાદા વધારીને ૧૨.૭૫ લાખ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. ભાજપના અગ્રણીએ જણાવ્યું કે, વડાપ્રધાન તરીકે સતત ૪,૩૯૯ દિવસ પૂર્ણ કરનાર નરેન્દ્ર મોદીને વિશ્ર્વના ૩૨થી વધુ દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યા છે, જે ભારતની વધતી વૈશ્ર્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક છે. ભાજપના નેતાઓએ દાવો કર્યો કે છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ભારતે વિકાસ, ગરીબ કલ્યાણ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્ર્વિક નેતૃત્વના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે.