
અમદાવાદ શહેરમાં નારોલ વિસ્તારમાં વટવા ટ‹નગથી સદાની ધાબી તરફ જવાના રોડ પર દયારામ ફેક્ટરીની સામે અલીફનગર તરફ જતા માર્ગે આવેલી એક ઓરડીમાં ગેરકાયદે રીતે ચાલતા પશુ કતલખાના પર પોલીસે રવિવારે દરોડો પાડ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે કરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે ૭૦૦ કિલોગ્રામ ભેંસનું માંસ, ૫ વાહનો અને મોબાઇલ મળી કુલ રૂ. ૪.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઘટનામાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને એક સગીર કાયદાના સંઘર્ષમાં આવ્યો છે, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરાઈ છે.
નારોલ પોલીસને બાતમી મળી હતી કે અલીફનગર રોડ પર આવેલી એક ઓરડીમાં ગેરકાયદે પશુઓની કતલ કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઓરડીમાંથી અને બહાર પાર્ક કરેલા લોડિંગ ટેમ્પોમાંથી ૭૦૦ કિલોગ્રામ માંસ મળી આવ્યું હતું, જ્યારે ઓરડીની બાજુમા આવેલી ખુલ્લી જગ્યામાંથી ૫ વર્ષની ૪ ભેંસો અને દોઢ વર્ષના ૪ પાડા મળી કુલ ૮ જીવિત પશુઓ ભૂખ્યા-તરસ્યા બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી મોહંમદ રફીક ઉર્ફે બાબા મોહંમદ સીદ્દીક લાલમીયાં શેખ (ઉ.વ. ૩૫, રહે. વટવા), અશફાક ઉર્ફે મામા મજીદ મુદ્દીન કુરેશી (ઉ.વ. ૫૬, રહે. વટવા), મોહસીન ઉર્ફે મોહમ્મદઉંમર ફારૂક યાસીન કુરેશી (ઉ.વ. ૩૩, રહે. નારોલ) અને મોહમદ અમન મોહમદ હનીફ રફીક કુરેશી (ઉ.વ. ૧૮, રહે. નારોલ)ને ઝડપી લીધા હતા. આ ઉપરાંત ૧૬ વર્ષનો એક સગીર કાયદાના સંઘર્ષમાં આવતા તેનો કબજા તેના વાલીને સોંપવામાં આવ્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ જગ્યા મમ્મુ બુખારીની માલિકીની છે, જે તેણે મોહંમદ રફીક અને તેના મિત્ર મુનાવર ઉર્ફે સની બુખારી (રહે. વટવા) ને પશુ કતલ કરવા માટે ભાડે આપી હતી. શનિવારે ૨૦ પશુઓ લાવવામાં આવ્યા હતા, જેમાંથી ૧૨ પશુઓની રવિવારે સવારે કતલ કરી માંસ મિર્ઝાપુર બજારમાં વેચવાની પેરવી હતી.