અમદાવાદમાં ગીરવે મકાન અપાવવાના નામે ઇંડાના વેપારી સાથે રૂ. ૫ લાખની ઠગાઈ

શહેરના નારોલ રોડ પર રહેતા અને ઇંડાનો વેપાર કરતા એક યુવક સાથે ગીરવે ફ્લેટ આપવાના નામે રૂ. ૫ લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઠગબાજાએ ભદ્ર કોર્ટ ખાતે નોટરી કરાર કરીને વેપારી પાસેથી પૂરેપૂરી રકમ પડાવી લીધી હતી. જાકે, બાદમાં ફ્લેટનો કબજા સોંપવાને બદલે આરોપીઓએ આ જ મકાન અન્ય વ્યÂક્તને ગીરવે પધરાવી દઈ વિશ્વાસઘાત આચર્યો હતો. વારંવાર નાણાંની ઉઘરાણી કરવા છતાં રૂપિયા પરત ન મળતાં આખરે ભોગ બનનાર વેપારીએ નારોલ પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

નારોલ રોડ પર આવેલી કોઝી હોટલ પાછળ મેમણ કોલોની, શ્રીનિવાસ કમ્પાઉન્ડમાં રહેતા ૨૬ વર્ષીય મોહમદફૈઝાન અબ્દુલમજીદ મેમણ પોતાના પરિવાર સાથે રહે છે અને ઇંડાનો વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. થોડા સમય અગાઉ તેઓને રહેવા માટે ભાડે અથવા ગીરવે મકાનની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી તેમણે પોતાના એક પરિચિત મહિલા હિનાબેનને મકાન શોધવા અંગે વાત કરી હતી. હિનાબેને મોહમદફૈઝાનની મુલાકાત નારોલ ખાતે રહેતા મુસ્તાક શેખ સાથે કરાવી આપી હતી.મુસ્તાક શેખે વેપારી મોહમદફૈઝાનને વિશ્વાસમાં લઈને દરિયાપુરના કુંભારનો ડહેલો વિસ્તારમાં રહેતા સરફરાજ ઇબ્રાહીમભાઇ શેખ સાથે મુલાકાત કરાવી હતી.

સરફરાજ અને મુસ્તાકે નારોલ સ્થિત સ્ટાર રેસિડેન્સીમાં આવેલો ફ્લેટ નં. બી/૫૦૨ બતાવીને તે ગીરવે આપવાની વાત કરી હતી. ૧૧ માસ અને ૨૯ દિવસના સમયગાળા માટે રૂ. ૫ લાખની રકમ ગીરવે પેટે નક્કી કરવામાં આવી હતી. આ સોદો પાકો થયા બાદ બંને પક્ષોએ ભદ્ર કોર્ટ ખાતે જઈ વિધિવત નોટરી કરાર પણ કરાવ્યો હતો.કરાર થયા મુજબ ફરિયાદી મોહમદફૈઝાન મેમણે રૂ. ૧ લાખ રોકડા આપ્યા હતા, જ્યારે બાકીના રૂ. ૪ લાખ આઇડીએફસી બેન્કના ૨-૨ લાખના બે ચેક મારફતે સરફરાજ શેખને ચૂકવી આપ્યા હતા. પૂરેપૂરી રૂ. ૫ લાખની રકમ મળી ગયા બાદ ફરિયાદીએ ફ્લેટનો કબજા માગ્યો ત્યારે બંને આરોપીઓ અલગ-અલગ બહાના બતાવીને રોજ વાયદા કરવા લાગ્યા હતા. મકાનનો કબજા આપવા માટે આરોપીઓ સતત મુદત લંબાવતા રહ્યા હતા.

આખરે ૨૨ મેના રોજ આરોપી સરફરાજે ખુલાસો કર્યો હતો કે આ ફ્લેટ અન્ય એક વ્યક્તિને ગીરવે આપી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં મોહમદફૈઝાનના નાણાં પરત કરી દેવામાં આવશે. જાકે, લાંબો સમય વિત્યા બાદ પણ નાણાં પરત ન મળતાં અને મકાનનો કબજા પણ ન સોંપાતાં વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. અંતે ભોગ બનનારે નારોલ પોલીસ સ્ટેશનમાં સરફરાજ ઈબ્રાહીમ શેખ અને મુસ્તાક શેખ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.