રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં ચાલતી હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા. ડેકોરા બિલ્ડર ગ્રુપના ચિરાગ પટેલના જન્મદિવસની એડવાન્સ પાર્ટીનું આ આયોજન હતું. જેમાં દારૂ અને હુક્કાની મહેફિલ જામી હતી. જેના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ૩૮ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે.
જેમાં પાર્ટીમાં સામેલ ૩૫ લોકો અને હોટેલના સ્ટાફમાંથી ૩ લોકોનો સમાવેશ થાય છે. રાજકોટ અને મોરબીના લોકો આ પાર્ટીમાં સામેલ હતા. આ હાઈપ્રોફાઈલ પાર્ટીએ શહેરભરમાં ચર્ચા જગાવી છે. આ મામલે મોટા અપડેટ એ આવ્યા છે કે કેટરિંગમાં સંકળાયેલા ૧૫થી વધુ કર્મચારીઓની પોલીસે અટકાયત કરી છે.
ઉલ્લેખનીય છે કે, કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના પ્રી-બર્થડે સેલિબ્રેશન દરમિયાન દારૂની મહેફિલ યોજાઈ હોવાનો પોલીસનો આરોપ છે. આ મામલે અગાઉ ૭૬ જેટલા મહિલા અને પુરુષોને મેડિકલ તપાસ માટે ખસેડવામાં આવ્યા હતા. હવે કેટરિંગ સ્ટાફની અટકાયત થતાં સમગ્ર કેસમાં નવા ખુલાસા થવાની શકયતા છે. ત્યારે સવાલ એ છે કે દારૂની મહેફિલમાં કોણે દારૂ પીરસ્યો અને આ પાર્ટીના આયોજનમાં કોની કોની ભૂમિકા હતી? તે દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે.
ધારાસભ્યના ભાઈ મનીષ વરમોરા અને તેમના પત્નીની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે તમામ લોકોના જામીનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી. પાર્ટી કરવા આવેલા લોકોને જામીન મળતા જ તેમને પોલીસે પાછલા બારણેથી રવાના કર્યા હતા. ત્યાર સવાલ એ ઉઠ્યો હતો કે દારૂ પાર્ટીમાં પકડાયેલા આરોપીને શું પોલીસ છાવરી રહી છે?. મીડિયાનો કેમેરો જાઈને આ હાઈપ્રોફાઈલ દારૂડિયા ભાગતા જાવા મળ્યા હતા. તો બીજી તરફ રાજકોટમાં થયેલી આ કાર્યવાહીને ભાજપના સહપ્રવક્તાએ આવકારી છે.