ગુજરાતના નિર્ભયા કાંડના દોષિત વિજય પાસવાનનું હાર્ટ એટેકથી મોત, પત્નીએ નિષ્પક્ષ તપાસની માગ કરી

ગુજરાતના નિર્ભયા કાંડ તરીકે ચર્ચાયેલા ભરૂચના ઝઘડિયામાં ૧૦ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં ફાંસીની સજા પામેલા વિજય પાસવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. મળતી માહિતી મુજબ, વિજય પાસવાનનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. તેના મોત બાદ પરિવારજનોએ સમગ્ર મામલે સવાલો ઉઠાવ્યા છે અને નિષ્પક્ષ તપાસની માગ કરી છે.

ડિસેમ્બર ૨૦૨૪માં ઝઘડિયા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. મૂળ ઝારખંડનો શ્રમિક પરિવાર અહીં રહેતો હતો. પરિવારની ૧૦ વર્ષની બાળકી અચાનક ગુમ થઈ જતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકી ગંભીર હાલતમાં ઝાડી-ઝાંખરામાંથી મળી આવી હતી. તેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં આઠ દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું.

૧૬ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ બાળકી ગુમ થઈ હોવાની જાણ પરિવાર દ્વારા પોલીસને કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બાળકી ગંભીર ઇજાઓ સાથે મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જાકે, તબીબોના પ્રયાસો છતાં આઠ દિવસ બાદ બાળકીનું મોત થયું હતું.આ ઘટનામાં બાળકીના શરીર પર ગંભીર ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. બનાવને પગલે ભરૂચ અને ઝઘડિયા વિસ્તારમાં ભારે રોષ જાવા મળ્યો હતો. પોલીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી હતી.

પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદ લીધી હતી. ત્યારબાદ વિજય પાસવાનની ધરપકડ કરવામાં આવી હતી. તપાસના ભાગરૂપે ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અને ફોરેન્સિક ટીમની મદદથી ઘટનાસ્થળેથી વૈજ્ઞાનિક અને મેડિકલ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. આ પુરાવા અને તપાસના આધારે કેસની કાયદાકીય કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી.વિજય પાસવાનના મોત બાદ તેની પત્ની બબીતા દેવીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેમના પતિને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા અને વાસ્તવિક આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી નથી. તેમના મતે, કેસની તપાસ અને ન્યાયિક પ્રક્રિયામાં યોગ્ય રીતે રજૂઆત થઈ નહોતી.

બબીતા દેવીએ પતિના મોતને લઈને પણ શંકા વ્યક્ત કરી છે. તેમણે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે. પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.જાકે, પત્ની દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. હાલ આ મામલે જેલ સત્તાવાળાઓ અને સંબંધિત અધિકારીઓ તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવવાની બાકી છે.