મોરબીમાં લોહિયાળ અથડામણઃ પુત્રને બચાવતા ૭૦ વર્ષીય પિતાની ધારિયાના ઘા ઝીંકી હત્યા

ટીંબડી પાટિયા નજીક પૈસાની લેતીદેતી મામલે લોહિયાળ અથડામણની ઘટના સામે આવી છે. ટ્રકની ભાગીદારીના પૈસાની લેતીદેતી મામલે જૂની અદાવત રાખીને આવેલા શખ્સોએ એક યુવાન પર ધારિયા અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન પુત્રને બચાવવા વચ્ચે પડેલા ૭૦ વર્ષીય પિતા ખોડાભાઈ મોલડીયાને કપાળના ભાગે ધારિયાનો ઘા ઝીંકવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે તેમનું મોત નીપજ્યું હતું. હુમલામાં અન્ય બે યુવકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે સાત શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક વિગતો મુજબ, ટ્રકની ભાગીદારીના પૈસાની લેતીદેતી મામલે અગાઉથી વિવાદ ચાલી રહ્યો હતો. આ જૂની અદાવતને પગલે કેટલાક લોકો બે કાર અને એક બાઈકમાં ટીંબડી પાટિયા પાસે પહોંચ્યા હતા. તેમની પાસે છરી, ધારિયા અને ધોકા સહિતનાં હથિયારો હતાં. આરોપીઓએ પહેલાં કાર પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. ત્યારબાદ યુવાન પર ધારિયા અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન પુત્ર પર હુમલો થતા ૭૦ વર્ષીય ખોડાભાઈ મોલડીયા તેને બચાવવા વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન હુમલાખોરોએ તેમના કપાળના ભાગે ધારિયાનો ઘા ઝીંક્્યો હતો. ગંભીર ઈજાઓને કારણે ખોડાભાઈનું મોત નીપજ્યું હતું.

આ હુમલામાં રવિભાઈ વિજવાડિયા અને જીગાભાઈ મોલડીયા નામના બે યુવકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. જીગાભાઈની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આ મામલે સાત શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હુમલા પાછળ ટ્રકની ભાગીદારીના પૈસાની લેતીદેતીનો વિવાદ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે આરોપીઓની ભૂમિકા અને ઘટનાની સમગ્ર કડી અંગે તપાસ શરૂ કરી છે.