અલ્હાદપુરા પાસે મુખ્ય નર્મદા કેનાલના ગેટનો જોઇન્ટ તૂટતા પ્રવાહ નિયંત્રિત કરવા લોખંડના પાટિયા મૂકાયા

અલ્હાદપુરા ગામ નજીક આવેલી મુખ્ય નર્મદા કેનાલના ૪૮ નંબરના ગેટ પર ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ છે. છ ગેટ પૈકી એક ગેટનો જોઇન્ટ તૂટી જતાં પાણીના જોરદાર પ્રવાહને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક ધોરણે લોખંડના પાટિયા મૂકવાની ફરજ પડી હતી. જોકે, પાણીના ભારે દબાણને કારણે આ લોખંડનો ગેટ પણ વાંકો થયો હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાને પગલે હવે ગેટનું કાયમી સમારકામ ક્યારે હાથ ધરાશે તે અંગે સવાલો ઊભા થયા છે. જો રિપેરિંગ માટે મુખ્ય નર્મદા કેનાલનો પાણી પ્રવાહ બંધ કરવાની જ‚ર પડશે તો વણીયાદ્રી ફિલ્ટર પાણીની યોજના સુધી નર્મદાનું પાણી પહોંચવામાં વિક્ષેપ આવી શકે છે.

તેના પરિણામે વણીયાદ્રી યોજના હેઠળ આવતા અનેક ગામોમાં ફિલ્ટર પાણીનો પુરવઠો ખોરવાઈ શકે છે. ઉપરાંત બોડેલી નગરપાલિકાનો પીવાના પાણીનો પુરવઠો પણ આ જ યોજના પર આધારિત હોવાથી શહેરમાં પણ પાણીની અછત સર્જાવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

સ્થાનિક લોકોએ સંબંધિત વિભાગને તાત્કાલિક ગેટનું નિરીક્ષણ કરી કાયમી સમારકામ હાથ ધરવાની માંગ કરી છે. સાથે જ રિપેરિંગ દરમિયાન પીવાના પાણીના પુરવઠાને અસર ન થાય તે માટે અગાઉથી વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરાય તેવી પણ રજૂઆત કરી છે. હાલ સમગ્ર વિસ્તારમાં લોકોની નજર તંત્રની આગામી કાર્યવાહી પર મંડાઈ છે.