આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રપટેલ સેવા સમાજ દ્વારા ‘થર્સ ડે થોટ્‌સ’ના ૧૫૦મા કાર્યક્રમની ભવ્ય ઉજવણી

સૌરાષ્ટ્રપટેલ સેવા સમાજ- સુરત દ્વારા સમાજમાં સકારાત્મક વિચારધારાના પ્રસાર માટે છેલ્લા ત્રણ વર્ષથી સતત યોજાતો ‘થર્સ ડે થોટ્‌સ, વિચારોનું વાવેતર’ કાર્યક્રમ ૧૫૦ મા મણકા સુધી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૫૦મા ‘થર્સ ડે થોટ્‌સ’ને ‘વિચાર મહોત્સવ’ના રૂપમાં ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન છેલ્લા ૧૫૦ અઠવાડિયાથી દર ગુરુવારે યોજાતા ‘થર્સ-ડે થોટ’ કાર્યક્રમમાં રજૂ થયેલા શ્રેષ્ઠ વિચારોના સંકલનરૂપી ૧ થી ૧૦૦ વિચારોના ‘૧૦૦ બોકોના વિચારોનું વિમોચન રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું હતું. કેનાલ રોડ સ્થિત હેપ્પીનેસ બેન્ક્‌વેટ હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વિચારોનું વાવેતરએ રાષ્ટ્રઘડતરનો પાયો છે. સકારાત્મક વિચારો દ્વારા જ વ્યક્તિ અને સમાજનું પરિવર્તન શકય છે. વિચારોના વાવેતરથી નવી પેઢીમાં ઊર્જા, સકારાત્મક અભિગમ, પહેલવૃત્તિ અને સભ્યતાનું વટવૃક્ષ પાંગરે છે. સ્નાનથી માત્ર શરીરની શુદ્ધિ થાય છે, પરંતુ મનની શુદ્ધિ સત્ય બોલવાથી, આત્માની શુદ્ધિ વિદ્યા અને તપથી તથા બુદ્ધિની શુદ્ધિ જ્ઞાનથી થાય છે. જે વ્યક્તિના વિચારો જેટલા વ્યાપક, ઉદાર અને કલ્યાણકારી હોય છે, તેટલા જ તેના વિચાર, વર્તન, વ્યવહાર અને સ્વભાવ આદર્શ બને છે.

તેમણે હંમેશા ઉચ્ચ વિચાર અને આચારને જીવનનો ભાગ બનાવવા આહ્વાન કરતા ઉમેર્યું કે, ઈતિહાસ અને સમાજ હંમેશા એવા લોકોની કદર કરે છે, જેમણે પોતાના ઉત્તમ વિચારો દ્વારા વિશ્વને સુખ આપવાનું કાર્ય કર્યું છે. આપણે ઘરની દીવાલો પર એવા મહાપુરુષોના ચિત્રો લગાવીએ છીએ જેમણે માનવતાના કલ્યાણ માટે પોતાનું બલિદાન આપ્યું હોય.આ વિચારોની શક્તિ છે જે સત્સંગ, સ્વાધ્યાય અને મનન દ્વારા પ્રાપ્ત થાય છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતીય સંસ્કૃતિના ૧૬ સંસ્કારો અને ઋષિ પરંપરાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, આપણા ઋષિમુનિઓએ નિર્ધારિત કરેલા સંસ્કારોનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિને વિચારોથી પ્રબુદ્ધ અને મજબૂત બનાવવાનો છે. મનુષ્ય પોતાના કર્મો અને ઉમદા વિચારો દ્વારા આ પૃથ્વીને સ્વર્ગ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

રાજ્યપાલએ પેઢી દર પેઢી થતા પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, નવી પેઢી જા વૈચારિક રીતે મજબૂત ન હોય તો કુટુંબ અને સમાજને મોટું નુકસાન કરી બેસે છે. આ જાખમ નિવારવા માટે તેમણે સૌને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો કે, આવા સામાજિક અને વૈચારિક કાર્યક્રમોમાં બાળકોને અચૂક સાથે લાવવા જાઈએ. વડીલોના સંપર્ક અને સંવાદ તેમજ અનુભવીઓના માર્ગદર્શન દ્વારા બાળકોને જીવનનું જે શિક્ષણ મળે છે તે કોઈ શાળા આપી શકતી નથી એમ જણાવી નવી પેઢીમાં સંસ્કાર અને વૈચારિક શક્તિનું સિંચન એ જ સાચી રાષ્ટ્રસેવા હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું.

પૂર્વજાએ કરેલી તપસ્યા અને પરિશ્રમના ફળ ત્યારે જ જળવાઈ રહેશે જ્યારે આપણે આપણી આવનારી પેઢીને મજબૂત વૈચારિક ભાથું આપીશું એમ જણાવી રાજ્યપાલએ ઉમેર્યું કે, સંપત્તિ અને વૈભવ જા સદ્દવિચારો અને સંસ્કારથી યુક્ત નહીં હોય તો તે પતનનું કારણ બનશે. શ્રેષ્ઠ વિચારો અને સંસ્કારો જ મનુષ્યને સાચા અર્થમાં પ્રબુદ્ધ બનાવે છે.

રાજ્યપાલે વિચાર યજ્ઞને પ્રજ્વલિત કરનાર સુરતના પાટીદાર અગ્રણીઓ અને જાગૃત્ત યુવાનોને બિરદાવતા જણાવ્યું કે, પટેલ સમાજે ‘રાષ્ટ્રપ્રથમ’ અને ‘જનની-જન્મભૂમિ’ પ્રત્યેના પ્રેમને વ્યવહારમાં ચરિતાર્થ કર્યો છે. પોતાની મહેનતની કમાણીનો અંશ ગામના વિકાસ, સમાજના ભલા અને પરોપકારમાં ખર્ચીને તેઓ રાષ્ટ્રની સંપત્તિ સમાન પુરવાર થયા છે એમ જણાવી સમાજ હિતલક્ષી પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

આ પ્રસંગે ઈફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડા. સી.કે. ટીંબડિયા, સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ અને સમાજ સેવકો, સવજીભાઈ વેકરિયા, ઈશ્વર ધોળકિયા, અરવિંદ ધડૂક, ઘનશ્યામભાઈ શંકર, મનહરભાઈ સાસપરા, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા