પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેખોૈફ : અધિકારીઓની હિલચાલ પર નજર રાખવા જાસુસી નેટવર્ક પુન: સક્રિય

પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ખાણ ખનીજ ખાતાના અધિકારીઓની દરેક હિલચાલ ઉપર નજર રાખવા માટે ખનીજ માફિયાઓએ ગત વર્ષે બનાવેલુ જાસુસી નેટવર્ક ઝડપાયા બાદ બંધ થઈ ગયુ હતુ. જે હવે ફરી સક્રિય બન્યુ છે. અધિકારી કયાં જાય છે અને કયાંથી આવે છે તેની તમામ માહિતી માફિયાઓને જાસુસી મારફતે વોટ્સએપ ગ્રુપમાં મળતી રહે છે. એવા જ એક વોટ્સએપ ગ્રુેપનો સ્ક્રિનશોટ કોઈએ વાયરલ કરી દેતા આખા કોૈભાંડનો પર્દાફાશ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લામાં ખનીજ, પુરવઠા અને વનવિભાગના બે નંબરીયા ધંધામાં સંડોવાયેલા તત્વો મોટાપાયે તેમનો ગેરકાયદે ધંધો જમાવી રહ્યા છે. ગત વર્ષે જાસુસી કારસ્તાનનો પર્દાફાશ થતાં એક સમયે બે ઈસમો પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને હાલોલ ઈન્ચાર્જ પ્રાંત અધિકારીની ગાડીનો પીછો કરતા ઝડપાયા હતા. જોકે ત્યારબાદ જાસુસો ગાયબ થઈ ગયા હતા. પરંતુ જાસુસી કાંડનો ધંધો હાલ સમગ્ર પંથકમાં પુન: સ્થાપિત થઈને સક્રિય બનેલા જોવા મળે છે. પંચમહાલ જિલ્લા અને કાલોલની વિવિધ સરકારી વિભાગોના તપાસ અધિકારીઓ જેમાં વિવિધ પ્રાંત અધિકારીઓ, ખાણ ખનીજ વિભાગ, વનવિભાગ અને મામલતદાર વિભાગની સરકારી ગાડી નીકળે એટલે વિવિધ ઠેકાઓ પરથી જાસુસી કરતા ઈસમો ચોરી કે ગેરકૃત્યો કરતા સભ્યોના વોટ્સએપ ગ્રુપમાં ઓડિયો-વીડિયો મેસેજ છોડીને સોૈને સચેત કરવાનુ કારસ્તાન ચાલી રહ્યુ છે. ગોધરાથી કાલોલ, હાલોલ સુધીના રૂટ પર તૃપ્તિ હોટલ કે બાયપાસ, નાંદરખા ચોકડી, ચલાલી ચોકડી, વેજલપુર ચોકડી, દેલોલ ચોકડી, શામળદેવી, રામનાથ, કાલોલ તિરંગા સર્કલ અને મલાવ ચોકડી અને અલીન્દ્રા ચોકડી સહિતના લોકેશન જાસુસો અને ફોલ્ડરીયા રેકી કરીને વોટ્સએપ ગ્રુપમાં મેસેજ શેર કરતા હોય છે. સરકારી તંત્રની કોઈ ધાક કે શેહશરમ રાખ્યા વિના સમગ્ર તંત્રને પુન: પડકારતા બે નંબરીયા ધંધામાં સંડોવાયેલા તત્વોને તંત્ર નાથી શકશે કે કેમ એ અંગે સવાલો ઉઠી રહ્યા છે.