બોડેલીના ઝંડ ગામ શાળા પાસે આવેલ નાળાની બિસ્માર હાલતથી વિદ્યાર્થીઓની સુરક્ષાને જોખમ

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના ઝંડ ગામની પ્રાથમિક શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલા કોતર પર બનાવવામાં આવેલા નાળાની હાલત વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરી રહી છે.

થોડા દિવસ પહેલાં જ તંત્ર દ્વારા આ નાળાનું સમારકામ કરાયું હતું, પરંતુ યોગ્ય કામગીરીના અભાવે નાળાની સ્થિતિ જોખમી બની રહી છે. પરિણામે શાળામાં આવતા નાના ભૂલકાઓ, શિક્ષકો અને અન્ય લોકોને જોખમ વચ્ચે અવરજવર કરવાની ફરજ પડી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, નાળાના સમારકામમાં યોગ્ય તકેદારી રાખવામાં આવી ન હોવાથી તેની આસપાસનો ભાગ પણ જોખમી બન્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે નાળા પર સુરક્ષા માટે જરૂરી રેલિંગ પણ લગાવવામાં આવી નથી.

શાળાની આસપાસ મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યાં હોવાથી ઝેરી જીવજંતુઓ અને સરિસૃપોનો ભય પણ સતત સતાવી રહ્યો છે. શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો માટે એક તરફ ખુલ્લું અને જોખમી નાળું તો બીજી તરફ ઝાડી-ઝાંખરાંમાંથી ઝેરી જનાવરો નીકળવાની આશંકા ચિંતાનો વિષય બની છે.

શાળામાં ભણવા આવતા બાળકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ, પરંતુ મુખ્ય પ્રવેશદ્વાર પાસે જોખમી નાળું અને આસપાસ ગંદકી તથા ઝાડી-ઝાંખરાં હોવા છતાં યોગ્ય વ્યવસ્થા ન હોવી તંત્રની કામગીરી સામે સવાલ ઊભા કરે છે.

ગ્રામજનોની માંગ છે કે, તંત્ર દ્વારા સ્થળની મુલાકાત લઈ નાળાની મરામત કરાય, બંને બાજુ મજબૂત રેલિંગ લગાવાય અને શાળાની આસપાસનાં ઝાડી-ઝાંખરાંની સફાઈ કરાવવામાં આવે. કોઈ દુર્ઘટના કે જાનહાનિ થાય તે પહેલાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.