બાલાસિનોરમાં દબાણો દુર કર્યાના દોઢ મહિનામાં જ ફરી ઓટલાના દબાણો ઉભા થયા

બાલાસિનોર બસ સ્ટેન્ડથી વિરપુર રોડ સુધી વકરેલી ટ્રાફિક સમસ્યા નિવારવા દોઢ મહિના પહેલા તંત્ર દ્વારા કાચા-પાકા દબાણો દુર કરાયા હતા. જોકે દોઢ મહિનામાં જ દુકાનદારોએ ફરીથી ઓટલા ચણીને દબાણ ઉભું કરી દેતા પરિસ્થિતિ પુર્વવત બની ગઈ છે. દબાણો ખડકતા જ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે.

બાલાસિનોર બસ સ્ટેન્ડથી વિરપુર રોડ સુધી છેલ્લા ધણા સમયથી કાચા-પાકા દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરતી રહી હતી. જેને પગલે નગરમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે પર દોઢેક મહિના પહેલા પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર, માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ તેમજ પોલીસ કાફલાની ઉપસ્થિતિમાં સતત ત્રણ દિવસ સુધી મેગા ડિમોલેશન ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ૨૦૦ થી વધુ કાચા-પાકા દબાણો દુર કરાતા રાહદારીઓ તેમજ ગ્રામજનોએ ટ્રાફિકમાંથી મુક્તિ મળતા રાહતનો શ્ર્વાસ લીધો હતો. તંત્ર દ્વારા દબાણો દુર કરાયાના દોઢ મહિના બાદ જ એક પછી એક દુકાનદારોએ પુન: દુકાનોની બહાર ઓટલા ચણાવી દબાણ ઉભું કરી દેતા પરિસ્થિતિ પુર્વવત બની છે. બસ સ્ટેન્ડથી વિરપુર રોડ પર ફરી દબાણો ખડકાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પુન: કાચા-પાકા દબણો દુર કરી ફરીથી દબાણ કરનારા દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.