ગોધરામાં MGVCL નું મેગા વીજ ચેકિંગ : ૧,૯૯૭ કનેક્શન તપાસાયા, ૯૧માં વીજચોરી ઝડપાઈ

વહેલી સવારે MGVCL અને ગોધરા પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન અંદાજે રૂ ૧ કરોડની વીજચોરી ઝડપાઈ હોવાનો વિભાગનો દાવો ચેકિંગ દરમિયાન કેટલાક ગ્રાહકો અને વીજ ટીમ વચ્ચે રકઝક

ગોધરા શહેરમાં વીજચોરી સામે MGVCL દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવતા વીજચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વહેલી સવારે MGVCL ની ટીમો દ્વારા ગોધરા પોલીસના સહયોગથી શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં એકસાથે સઘન વીજચેકિંગ હાથ ધરાયું હતું.

આ મેગા ચેકિંગ ઓપરેશનમાં આશરે ૫૫ જેટલી ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. ટીમો દ્વારા ગોધરાના વિવિધ વિસ્તારોમાં ઘર, દુકાન અને અન્ય વીજ કનેક્શનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને સિંગલ ફળિયા, સાતપુલ, ચુચલા પ્લોટ, પોલન બજાર સહિતના વિસ્તારોમાં વીજ કનેક્શનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન MGVCLની ટીમો દ્વારા કુલ ૧,૯૯૭ જેટલા વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ સ્થળોએ વીજ મીટર સાથે ચેડાં, ગેરકાયદેસર જોડાણ અથવા અન્ય રીતે વીજચોરી થતી હોવાનું સામે આવ્યું હોવાનું વીજ વિભાગે જણાવ્યું હતું.

વિભાગના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન કુલ ૯૧ વીજ કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ હતી. આ કનેક્શનોમાં થયેલી વીજચોરીની પ્રાથમિક ગણતરી મુજબ અંદાજેરૂ ૧ કરોડ જેટલી વીજચોરી સામે આવી હોવાનો MGVCL નો દાવો છે. વીજચોરી ઝડપાતા સંબંધિત વીજ ગ્રાહકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મેગા ચેકિંગ દરમિયાન કેટલાક સ્થળોએ વીજચોરી ઝડપાતા વીજ ગ્રાહકો અને ખૠટઈકની ટીમ વચ્ચે બોલાચાલી અને રકઝકના બનાવો પણ સામે આવ્યા હતા. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે સાથે રહેલી સ્થાનિક પોલીસ દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી. પોલીસે સમજાવટ કરીને મામલો થાળે પાડ્યો હતો અને ચેકિંગની કામગીરી આગળ વધારવામાં આવી હતી.

MGVCLની તપાસમાં વીજચોરી ઝડપાયેલા ૯૧ વીજ ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વીજચોરીના કેસોમાં નિયમ મુજબ વીજચોરીની રકમ તથા દંડની કાર્યવાહી કરવામાં આવશે. વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વીજચોરી સામે આવા સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે.

ગોધરામાં એકસાથે ૫૫ જેટલી ટીમો દ્વારા હાથ ધરાયેલા આ મેગા ચેકિંગને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ ગ્રાહકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. વીજચોરી સામેની કાર્યવાહી દરમિયાન પોલીસની હાજરીને કારણે ટીમોને ચેકિંગમાં સહયોગ મળ્યો હતો.

MGVCLદ્વારા વીજ ગ્રાહકોને વીજ કનેક્શન સાથે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન કરવા તથા વીજળીનો કાયદેસર ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.