છોટાઉદેપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં BSP નો યુટર્ન, ભાજપ ઉમેદવારને સમર્થન:

-નગરપાલિકા વોર્ડ નં.૪ની અનુ. આદિજાતિ બેઠકની પેટા ચૂંટણીમાં હવે ત્રિપક્ષીય મુકાબલો થશે.

છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર ૪ની અનુસૂચિત આદિજાતિ બેઠક માટેની પેટા ચૂંટણીમાં હવે ત્રિપક્ષીય મુકાબલો રહ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગે ૧૧ ઓક્ટોબરે મતદાન યોજવાની જાહેરાત કરી છે.

આ બેઠક અગાઉ મંજુલાબેન કિશનભાઇ કોલી વિજેતા થયા હતા અને પ્રમુખ પદ સુધી પહોંચ્યા હતા. તેમનો જાતિ દાખલો રદ થતાં બેઠક ખાલી પડી હતી. ત્યારબાદ પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું હતું.

ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્રોની ચકાસણી ૨૮ સપ્ટેમ્બરે થઈ હતી. જેમાં ડમી ઉમેદવાર સિવાય કોઈનું પણ ઉમેદવારી પત્ર રદ થયું ન હતું.

પરંતુ ઉમેદવારી પરત ખેંચવાની તારીખે બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર નાયકે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું. તેમણે ભાજપના ઉમેદવાર ડોક્ટર રજનીબેન રાઠવાના સમર્થનમાં આ નિર્ણય લીધો હતો. હવે વોર્ડ નંબર ૪માં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી લડાશે.

હાલ તો છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર ૪ની ખાલી પડેલી અનુસૂચિત આદિજાતિ બેઠક માટેની પેટા ચૂંટણીમાં થનારો ત્રિપક્ષીય મુકાબલો કેવો રહેશે તે ૧૧ ઓક્ટોબરે યોજાનાર મતદાન બાદ જ ખબર પડશે.