શ્રી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન, ગોધરાનું ગૌરવ

 શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના શૈક્ષણિક વર્ષ 2026-27 અંતર્ગત દાહોદ સ્થિત નવજીવન સાયન્સ કોલેજ (ઓટોનોમસ) ખાતે મલખંભ આંતર કોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં યુનિવર્સિટી સંલગ્ન ૬ કોલેજોના કુલ ૨૨ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

યુનિવર્સિટી પ્રતિનિધિ તથા ઈ.સી. મેમ્બર ડો. એચ.આર. ડાહીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાત સ્ટેટ મલખંભ એસોસિએશનના જીત સફળ, મનાનશુ સૂર્ય, નેત્રા બારોટ અને ગાયત્રી કામતકરે નિર્ણાયક તરીકે પોતાની સેવાઓ આપી હતી.

સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ મલખંભની વિવિધ કળાઓ અને કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા. વ્યક્તિગત ભાઈઓની સ્પર્ધામાં સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન, ગોધરાના વિદ્યાર્થી કોલી ટાઈગેશ્ર્વરકુમાર અરતસિંહે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું.

કોલેજના પ્રમુખ ગોપાલસિંહજી સોલંકી, આચાર્ય ડો. સુરેશ આર. પરમાર, સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ કોલેજના તાલીમાર્થીઓએ શુભકામના પાઠવી હતી.

આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને મલખંભ જેવી પરંપરાગત ભારતીય રમતના કૌશલ્યને પ્રોત્સાહન અને પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉત્તમ મંચ મળ્યો હતો. આયોજકો દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ, નિર્ણાયકો તથા સહયોગી સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.