છોટાઉદેપુર જિલ્લાના અનેક જુના પ્રાથમિક શિક્ષકો છેલ્લા એક વર્ષથી તાલુકા આંતરિક બદલી કેમ્પની રાહ જોઈને બેઠા હતા. પરંતુ હાલ નવી ભરતીની પ્રક્રિયા શ થતાં તેમની આશા પર પાણી ફરી વળતા શિક્ષક આલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
દર વર્ષે પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી નિવૃત્તિ કે અન્ય બદલીના કારણે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે દરેક જિલ્લામાંથી મહેકમ સેટઅપ મંગાવીને વધધટના કેમ્૫નુ આયોજન કરવામાં આવતુ હોય છે. ત્યારબાદ તરત જ તાલુકા આંતરિક બદલી કેમ્પ યોજવામાં આવે છે. તેનાથી વર્ષોથી બદલી ઈચ્છતા શિક્ષકોને સુગમતા રહે છે. શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે છે. પ્રણાલી મુજબ આ વર્ષે વધધટના કેમ્પ તો થયા પરંતુ તે બાદ તરત જ નવી ભરતીની પ્રક્રિયા હાથ ધરાતા જુના શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે શિક્ષણ વિભાગ દ્વારા ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં વધધટ કેમ્પ બાદ તાલુકા આંતરિક બદલી કેમ્પ યોજાય છે. તેનાથી આંતરિયાળ વિસ્તારોમાં વર્ષોથી નોકરી કરતા શિક્ષકોને નજીકની ખાલી જગ્યાઓ પર બદલીનો લાભ મળતો હોય છે. જોકે આ વર્ષે બદલી કેમ્પ પહેલા જ નવી ભરતીની પ્રક્રિયા શ કરી દેવાતા જુના શિક્ષકોએ પસંદ કરી રાખેલા સ્થળો નવી ભરતીમાં ભરાઈ જવાની ભિતી સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને નવી ભરતીના શિક્ષકોની સ્થળ પસંદગી પહેલા જ બદલી કેમ્પ યોજવામાં આવે તેવી શિક્ષકોમાં પ્રબળ માંગ ઉઠી છે.