
અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામમાં વીજ કરંટ લાગવાથી બે સગા ભાઈ-બહેનના મોત થયા છે. અશોક મનુ પાવરાની વાડીમાં આ ઘટના બની હતી. મૃતકો દાહોદ જિલ્લાના ખેતમજૂર પરિવારના હતા જેઓ વાડીમાં રહીને કામ કરતા હતા.વાડી વિસ્તારમાં ઝટકા લાઈન બંધ હતી, પરંતુ તેની બાજુમાં ચાલુ વીજ લાઈનનો વાયર અડી ગયો હતો.
આ દરમિયાન બંને ભાઈ-બહેન ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને વીજ કરંટ લાગ્યો હતો. જેથી ઘટનાસ્થળે જ બંનેના મોત થયા હતા.મૃતકોની ઓળખ ૨૧ વર્ષીય રાજુ કચરા ભામોર અને ૧૬ વર્ષીય લક્ષ્મીબેન કચરા ભામોર તરીકે થઈ છે.
અમરેલી પીજીવીસીએલના કાર્યપાલક એચ.જી. નાગરે જણાવ્યું કે, ઘટના બન્યા બાદ તેમની દામનગર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે તે પીજીવીસીએલની સર્વિસ લાઈન નહોતી, પરંતુ ખેડૂતની પોતાની મીટર માટેની લાઈન હતી. વધુમાં જણાવ્યું કે, ખેડૂતે વાયર લાંબો કરીને રાખ્યો હતો અને તે જમીન પર નીચે હતો. આ વાયરને અડકી જવાથી ભાઈ-બહેનને કરંટ લાગ્યો અને તેમના મોત થયા.