અમદાવાદમાં એએમસી,ઔડા નામે છેતરપિંડી, લાખો રૂપિયાની ઠગાઈ કરનારો ઝડપાયો

એએમસી અને ઔડાના નામે ખોટા દસ્તાવેજા બનાવી મકાન અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં વાસણા પોલીસે આરોપી મહેબૂબહુસેન ઉર્ફે બાબુભાઈ અસગરહુસેન શેખની ધરપકડ કરી છે. આરોપીને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવતા અરજન્ટ કોર્ટના જજ એન. એન. રાવલે આરોપીના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ તપાસ મુજબ આરોપીએ ફરિયાદી અને સાહેદો સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરીને કુલ રૂ. ૭.૧૮ લાખ મેળવ્યા હતા. જોકે, આ રકમ હજુ સુધી તપાસ દરમિયાન પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી નથી. જેથી ઠગાઈથી મેળવેલી રકમ કબજે કરવા અને નાણાકીય વ્યવહારોની તપાસ માટે આરોપીની કસ્ટડી જરૂરી હોવાનું પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું.

સરકારી વકીલ પ્રજ્ઞા પ્રજાપતિએ કહ્યું કે “આરોપી વિરુદ્ધ અમદાવાદ શહેરના કાગડાપીઠ, વાડજ, શાહીબાગ અને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ખોટા દસ્તાવેજા બનાવી છેતરપિંડી કરવાના અલગ-અલગ કુલ સાત ગુના નોંધાયેલા છે. આથી આરોપીએ અગાઉ પણ આ પ્રકારની છેતરપિંડી આચરી છે કે કેમ અને તેના દ્વારા કેટલા લોકોને ભોગ બનાવવામાં આવ્યા છે તેની તપાસ જરૂરી છે.તપાસ દરમિયાન આરોપી પાસેથી એએમસીની ફાઇલો, પઝેશન લેટર,ઔડાના લેટરપેડ,એસબીઆઇ બેંકની સ્લિપો તથા પહોંચ મળી હોવાની વિગતો સામે આવી છે. આ દસ્તાવેજા આરોપીએ ક્યાથી અને કેવી રીતે મેળવ્યા હતા, તેની પાછળ કોઈ વ્યક્તિ કે સંગઠિત રીતે મદદ કરનારાઓ સંડોવાયેલા છે કે કેમ, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ ઉપરાંત આરોપીએ ફરિયાદી તથા સાહેદો પાસેથી ઓનલાઈન પેમેન્ટ મેળવ્યું હોવાથી સંબંધિત નાણાકીય અને ટેકનિકલ વ્યવહારોની પણ તપાસ કરવાની છે. આરોપીએ આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને ઠગાઈની રકમમાંથી કોઈ મિલકત ઊભી કરી છે કે નહીં તે મુદ્દે પણ પોલીસ તપાસ હાથ ધરશે.

પોલીસે આરોપી અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલો હોવાની રજૂઆત કરી હતી અને પૂછપરછમાં પોલીસને સહકાર ન આપતો હોવાનો દાવો કર્યો હતો. સમગ્ર મામલે આરોપીના ૫ દિવસના રિમાન્ડ દરમિયાન ખોટા દસ્તાવેજાનો સ્રોત, નાણાકીય વ્યવહારો, અન્ય સંભવિત આરોપીઓ તથા છેતરપિંડીનો ભોગ બનેલા અન્ય લોકો અંગે તપાસ કરવામાં આવશે.