સુરતમાં ડિગ્રી વગર બની ગયા ડોક્ટર ,પાંડેસરામાં ૮ બોગસ તબીબો ઝડપાયા

સુરતના પાંડેસરા વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા ૮ બોગસ ડોક્ટરો ઝડપાયા છે. પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં સામે આવ્યું કે, પકડાયેલા મોટાભાગના આરોપીઓ પાસે કોઈ માન્ય તબીબી ડિગ્રી નથી. કેટલાક માત્ર ધોરણ ૧૨ પાસ છે, જ્યારે કેટલાક પાસે બી.એસસી.ની લાયકાત અથવા કમ્પાઉન્ડર તથા ઓટી આસિસ્ટન્ટ તરીકેનો અનુભવ હોવાનું સામે આવ્યું છે.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી એક વ્યક્તિ અગાઉ ૧૪ વર્ષના કિશોરની સારવારના કેસમાં આરોપી હોવાનું સામે આવ્યું છે. કિશોરના પરિવારની ફરિયાદ બાદ તેની સામે ગુનો નોંધાયો હોવા છતાં તે ફરીથી નવું ક્લિનિક શરૂ કરીને દર્દીઓની સારવાર કરતો ઝડપાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.પાંડેસરા વિસ્તારમાં બોગસ તબીબો દ્વારા ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાની બાતમી મળ્યા બાદ પોલીસે કાર્યવાહીનું આયોજન કર્યું હતું. પોલીસે અલગ-અલગ સ્થળોએ ડમી દર્દીઓને મોકલી માહિતી એકત્ર કરી હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગ અને પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને પાંડેસરા વિસ્તારમાં એકસાથે ૮ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કેટલીક નાની દુકાનોમાં જ ક્લિનિક શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. કેટલાક સ્થળોએ ક્લિનિક બહાર ડોક્ટરનું નામ કે કોઈ તબીબી ડિગ્રી દર્શાવતું બોર્ડ પણ જોવા મળ્યું નહોતું.

દરોડા દરમિયાન તપાસ ટીમને એક સ્થળે ચોંકાવનારું દૃશ્ય જાવા મળ્યું હતું. એક બોગસ તબીબ સગીર વયની દર્દીની સારવાર કરી રહ્યો હતો અને દવાની બોટલ ચડાવવામાં આવી રહી હતી. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ અચાનક પહોંચી ત્યારે આરોપીએ ગભરાઈને દર્દીના હાથમાંથી સિરીંજ કાઢી લીધી હતી.આ ઘટનાએ બોગસ તબીબો દ્વારા કોઈપણ યોગ્ય તબીબી લાયકાત વિના દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાના ગંભીર મુદ્દાને ઉજાગર કર્યો છે.

પાંડેસરા ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં મોટી સંખ્યામાં શ્રમિકો રહે છે અને કામ કરે છે. તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ મુખ્યત્વે શ્રમિકોને દર્દી તરીકે સારવાર આપતા હતા.માન્ય મેડિકલ ડિગ્રી વગર પણ તેઓ દર્દીઓને એલોપેથીની દવાઓ, ઇન્જેક્શન અને અન્ય સારવાર આપતા હોવાનો આરોપ છે. કેટલાક સ્થળોએ ગેરકાયદેસર રીતે બાટલા ચડાવવાની કામગીરી પણ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.તપાસ દરમિયાન કેટલાક આરોપીઓએ પોતાના પરિવારના સભ્યોની મેડિકલ ડિગ્રી અથવા અગાઉના કમ્પાઉન્ડર તરીકેના અનુભવના આધારે સારવાર શરૂ કરી હોવાનું પણ સામે આવ્યું છે.પકડાયેલા આરોપીઓમાં પાર્થ કાલીભદ્ર દેવનાથનો કેસ ખાસ ચોંકાવનારો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તે અગાઉ ‘સ્વસ્તીક ક્લિનિક’ના નામે દવાખાનું ચલાવતો હતો.લગભગ એક મહિના પહેલાં તેણે ૧૪ વર્ષના અભિષેક સિંહ નામના કિશોરની સારવાર કરી હતી. સારવાર બાદ કિશોરનું મોત થયું હતું. પરિવારજનોએ સારવારમાં બેદરકારીના આક્ષેપ સાથે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે તપાસ ચાલી રહી છે.આ કાર્યવાહી દરમિયાન સામે આવ્યું કે, આ કેસ બાદ પણ આરોપીએ નવું ક્લિનિક શરૂ કરીને ફરી દર્દીઓની સારવાર શરૂ કરી દીધી હતી.

પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે તમામ ૮ સ્થળોએથી વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન, સિરપ સહિત કુલ રૂ.૯૮,૮૨૫નો મુદ્દામાલ કબજે કર્યો છે.તમામ ૮ આરોપીઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગુનો નોંધવામાં આવ્યો છે.તપાસમાં આરોપીઓની શૈક્ષણિક લાયકાત અંગે પણ ચોંકાવનારી વિગતો સામે આવી છેપપાર્થ દેવનાથઃ ધોરણ ૧૨ પાસ, સિદ્ધાર્થ દેવનાથઃ ધોરણ ૧૨ પાસ, વિનોદકુમાર સહાનીઃ ઓટી આસિસ્ટન્ટ તરીકેનો અનુભવ, મનોરંજન બિસ્વાલઃ બી.એસસી. પાસ, સજલ સમીર બિશ્વાસઃ ધોરણ ૧૨ પાસ, કમ્પાઉન્ડરનો અનુભવ, વિજય યાદવઃ ધોરણ ૧૨ પાસ, ૧૫ વર્ષનો કમ્પાઉન્ડર તરીકેનો અનુભવ, સંદીપ સોનવણેઃ ધોરણ ૧૨ પાસ, ૮ વર્ષનો કમ્પાઉન્ડર તરીકેનો અનુભવ, શ્યામનારાયણ ગુપ્તાઃ બી.એસસી.નો અભ્યાસ

આ કેસમાં સજલ સમીર બિશ્વાસનો કિસ્સો પણ સામે આવ્યો છે. માત્ર ૨૧ વર્ષનો સજલ ધોરણ ૧૨ પાસ છે અને અગાઉ કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો.પોલીસ તપાસ મુજબ, તે છેલ્લા બે વર્ષથી પાંડેસરા વિસ્તારમાં ‘સાઈ બાબા ક્લિનિક’ ચલાવતો હતો. એટલે કે, માત્ર ૧૯ વર્ષની ઉંમરથી જ તે ડોક્ટર તરીકે ગેરકાયદેસર રીતે દર્દીઓની સારવાર કરતો હોવાનો આક્ષેપ છે. પાંડેસરામાં થયેલી આ કાર્યવાહીથી ફરી એકવાર સવાલ ઊભો થયો છે કે માન્ય તબીબી લાયકાત વગર દર્દીઓની સારવાર કરતા લોકો સુધી કાર્યવાહી પહોંચવામાં કેમ વિલંબ થાય છે અને આવા લોકો ફરીથી ક્લિનિક શરૂ કરીને દર્દીઓની સારવાર કેવી રીતે કરી શકે છે?