નારોલમાં બે શખ્સે ક્રાઈમ બ્રાંચના નામે યુવક પાસેથી ૬૨૦૦૦ પડાવી લીધા

શહેર પોલીસના નામે તોડબાજી કરતી ગેંગ ફરી એક વખત સક્રિય થઇ ગઈ છે. નારોલના લાંભા ગામે આવેલા બળિયાદેવના મંદિરમાં દર્શન કરીને બહાર આવેલા યુવકને નકલી પોલીસ બનીને આવેલા બે શખ્સોએ યુવકનો કોલર પકડીને ધમકાવ્યો હતો અને કહ્યું કે તમે દેહ વ્યાપાર કરતી સ્ત્રીઓ પાસે જઈને આવો છો અને અમારી પાસે તમારા સીસીટીવી ફૂટેજ પણ છે.

તમારા પરિવારને જાણ કરી દઈશું કહીને દમદાટી આપવાની શરૂ કરી દીધું હતું. યુવકને ગભરાયેલો જોઇને બંને શખ્સોએ આને તો ક્રાઈમ બ્રાંચ જ લઇ જવો પડશે કહીને વધુ દમ મારવા લાગ્યા હતા. ત્યારબાદ બંને શખ્સોએ યુવક પાસેથી અલગ અલગ દુકાનોમાં લઈને ફોન-પે એપ્લિકેશનમાં યુવક પાસેથી કુલ રૂ.૬૨ હજાર ટ્રાન્સફર કરાવીને પડાવી લીધા હતા. આ મામલે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે.

મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ વસ્ત્રાલમાં રહેતા અને નરોડામાં ખાનગી કંપનીમાં કામ કરતા કરતા મહેશ યાદવ ગત ૭ સપ્ટેમ્બરે લાંભા બળિયાદેવ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. મંદિરના બહાર નીકળવાના દરવાજા પાસે પહોંચતાં જ એક રિક્ષામાં આવેલા બે અજાણ્યા શખ્સો પૈકી પાછળ બેઠેલા શખ્સે મહેશભાઈનો કોલર પકડી સાઈડમાં લઈ જઈ પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ તરીકે આપી હતી. બાદમાં તમે દેહ વ્યાપાર કરતી મહિલા પાસે ગયા હતા

તમારે ક્રાઇમ બ્રાન્ચ આવવું પડશે નહીંતર ગુનો નોંધીને પરિવારને સીસીટીવી ફોટા બતાવી બદનામ કરીશું તેમ કહી સમાધાન પેટે નાણાંની માગણી કરી હતી.રોકડા રૂપિયા ન હોવાથી આરોપીઓએ બળજબરીથી મહેશભાઈનું પાકીટ તપાસી તેમાંથી આધારકાર્ડ પોતાની પાસે રાખી લીધું હતું. ત્યારબાદ રિક્ષામાં બેસાડી નારોલ વિસ્તારમાં લઈ ગયા હતા, જ્યાં માર મારવાની ધમકી આપી અલગ અલગ દુકાનેથી કુલ રૂ. ૬૨,૬૨૦ ફોન પે સ્કેનર મારફતે ટ્રાન્સફર કરાવી દુકાનદાર પાસેથી રોકડ રકમ મેળવી પડાવી લીધી હતી. બાદમાં શખ્સો ફરાર થઇ ગયા હતા. આ અંગે યુવકે અજાણ્યા બે શખ્સો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.