શિક્ષક ને હવે વિદ્યાર્થીઓ માટે અનાજની કૂપન તૈયાર કરીને તેમના વાલીઓને અનાજ આપવા હાજર રહેવું પડશે. આ પ્રકારના આદેશ સામે શિક્ષક મંડળ દ્વારા મ્યુનિ. સ્કૂલ બોર્ડના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકો ને કોરોનામાં હેલ્પ ડેસ્ક ડ્યુટી, વેક્સિન અંગે સર્વે, કોરોનાના લક્ષણ અંગે સર્વે વગેરે કામગીરી સોંપવામાં આવ્યા બાદ હવે શિક્ષકોને રેશનિંગની દુકાને અનાજ વિતરણમાં પણ હાજર રહેવા આદેશ કરવામાં આવતા હવે શિક્ષક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
વિગતો મુજબ હાલ કોરોનાને કારણે શાળા બંધ છે જેથી મ્યુનિસપિલ સ્કૂલોમાં મધ્યાહન ભોજન બંધ છે તે માટે વિદ્યાર્થીઓ માટે અનાજની કુપન તૈયાર કરવામાં આવી છે અને કુપન પ્રમાણે નક્કી કરેલ અનાજની દુકાન પરથી વિદ્યાર્થીના વાલીઓને અનાજ આપવાનું રહેશે તે માટે દરેક સસ્તા અનાજની દુકાન પર એક શિક્ષકે હાજર રહેવાનુ રહેશે. વિદ્યાર્થીઓને આપવામાં આવેલ અનાજની કુપન પરત લેવાની રહેશે અને તેમને અનાજ આપવામાં આવશે.
જોકે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિપત્રનો મ્યુનિ સ્કૂલ બોર્ડના શિક્ષક મંડળે વિરોધ કર્યો છે. હાલ વેકેશન ચાલી રહ્યું છે જેથી હાલ પૂરતું અનાજ વિતરણ કરવાની કામગીરી બંધ રાખવામાં આવે અને સ્કૂલો શરૂ થાય ત્યારે અનાજ આપવામાં આવે તેવી માંગણી કરી છે. મ્યુનિ. સ્કૂલ બોર્ડના શિક્ષકો અન્ય કામગીરી પણ કરે છે જેથી હાલ વેકેશન દરમિયાન કામગીરીના સોંપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આમ ફરી એકવાર આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.