લુણાવાડામાં ગણેશજીનું ભવ્ય આગમન : છપૈયા ધામ સોસાયટીમાં ૪૦ વર્ષથી શ્રીજીની પ્રતિમાની પધરામણી કરવામાં આવે છે

મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં ગણેશ મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થી નજીક આવતાં, છપૈયા ધામ સોસાયટીના શ્રી ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશજીની પ્રતિમાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. આ આગમન યાત્રા ૨૨ ઓગસ્ટની રાત્રે યોજાઈ હતી.

શ્રી ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૪૦ વર્ષથી છપૈયા ધામ સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે. આ વર્ષે પણ આ ૪૦ વર્ષ જૂની પરંપરાને જાળવી રાખવામાં આવી છે.

ગણેશજીની પ્રતિમાનું આગમન લુણાવાડા શહેરના એસટી વર્કશોપ ખાતે થયું હતું. ત્યાંથી છપૈયા ધામ સોસાયટી સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે, વાજતે-ગાજતે અને ફટાકડાની આતશબાજી વચ્ચે હજારો ભક્તો આ આગમન યાત્રામાં જોડાયા હતા.

શોભાયાત્રા દરમિયાન ભક્તો દ્વારા ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે જયઘોષ કરવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. નગરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાઈ હતી.

આગમન યાત્રા છપૈયા ધામ સોસાયટી ખાતે પહોંચ્યા બાદ ગણેશચતુર્થીના દિવસે ગણેશજીની પ્રતિમાની વિધિવત્ પધરામણી કરવામાં આવશે. ગણેશ મહોત્સવ દરમિયાન સોસાયટીમાં આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાશે.