ગોધરામાં કાયદાકિય કાર્યવાહીમાં ખોટો લાભ લેવા તથા સરકારની વિવિધ યોજનાઓમાંથી આર્થિક લાભ મેળવવાના ઈરાદાથી બોગસ જન્મના દાખલા, સ્કુલ બોનોફાઈડ સર્ટિ. તેમજ પાલિકાના અધિકારીના બનાવટી સિકકા અને સહીઓ બનાવનાર મુસ્તાક મુસા પોલાની રેગ્યુલર જામીન અરજી પંચમહાલ જિલ્લા મુખ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
ગોધરાના જહુરપુરા મદ્રેસાવાળી ગલીમાં રહેતા મુસ્તાક મુસા પોલા તથા તેના સહ આરોપીએ ભેગા મળી ૨૬ જાન્યુ-૨૦૨૬ પહેલાના સમયગાળા દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી હતી. આરોપીઓએ પોતાની સામે ચાલતી કાયદાકિય કાર્યવાહીમાં ખોટી રીતે ફાયદો મેળવવા અને સરકારી યોજનાઓનો આર્થિક લાભ ખોટવા માટે જન્મના અને સ્કુલ બોનોફાઈડ સર્ટિ.બનાવટી તૈયાર કર્યા હતા. આરોપીઓએ ગોધરા પાલિકાના અધિકારીના નામના બનાવટી સિકકા બનાવીને દાખલાઓ પર ઉપયોગ કરી બનાવટી સહીઓ પણ કરી હતી. આ ઉપરાંત સ્કુલ બોનોફાઈડ સર્ટિ.માં જન્મ તારીખ સાથે છેડછાડ કરી ખોટી જન્મ તારીખ દર્શાવી હતી. આ તમામ દાખલાઓ ખોટા હોવાનુ જાણવા છતાં તેનો સરકારી પ્રક્રિયામાં ઉ૫યોગ કરી ગુનો આચર્યો હતો. જેની ગોધરા બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. અને આરોપીઓને જયુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ ભેગા કરવામાં આવ્યા હતા. મુસ્તાક પોલા દ્વારા પંચમહાલના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ સી.કે.ચોૈહાણની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરાઈ હતી. અરજીની સુનાવણી દરમિયાન તપાસ કરનાર અમલદાર દ્વારા કોર્ટમાં વિગતવાર સોગંદનામું રજુ કરવામાં આવ્યુ હતુ. કેસમાં જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરે રજુ કરેલી ધારદાર અને દસ્તાવેજી પુરાવા આધારિત વિગતવાર દલીલોને ધ્રયાને રાખીને સેશન્સ કોર્ટે આરોપી મુસ્તાક મુસા પોલાની જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કર્યો હતો.