મહીસાગર જિલ્લામાં જી.બી.એસ. (GBS) ના શંકાસ્પદ કેસોને પગલે કલેક્ટર સુશ્રી અર્પિત સાગરની  સૂચનાથી ફૂડ સેફ્ટી વિભાગનું સઘન ચેકિંગ

જિલ્લાની વિવિધ હોટલો, છાત્રાલયો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ હાથ ધરી અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો, સ્વચ્છતા જાળવવા અપાઈ નોટિસ

મહીસાગર જિલ્લામાં જી.બી.એસ. (GBS) ના શંકાસ્પદ કેસો ધ્યાને આવતા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના સીધા માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લામાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ગત તા. ૧૭ અને ૧૮ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ ફૂડ સેફ્ટી ટીમ તથા ફૂડ સેફ્ટી વાન (FSW) દ્વારા જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયો અને ખાણી-પીણીની પેઢીઓમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

તા. ૧૭ ઓગસ્ટના રોજ ફૂડ સેફ્ટી ટીમ દ્વારા લુણાવાડા ખાતે આવેલ ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી કાચી ખાદ્ય સામગ્રી (રો-મટીરીયલ) ના ૬ નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાધે ક્રિષ્ના ઈડલી ઢોસા હાઉસમાંથી ૫ કિલો મેંદો અને ૫ કિલો શેકેલા ચણાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. હોટલ રાજસ્થાનની તપાસ કરી સ્વચ્છતા જાળવવા બાબતે કડક નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે અંગારા દાલ બાટી અને લિયો કેફેની પણ સઘન તપાસ કરાઈ હતી. વધુમાં, ફૂડ સેફ્ટી વાન (FSW) દ્વારા લુણાવાડામાં ૧૯ જેટલી પેઢીઓનું ચેકિંગ કરી વાસી મંચુરિયન, પ્રતિબંધિત કલર અને એક્સપાયર થયેલ ચેરીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓના આરોગ્યને પ્રાધાન્ય આપતા ફૂડ સેફ્ટી ટીમે ૧૭ તારીખે જિલ્લાના પાંચ જેટલા છાત્રાલયોની મુલાકાત લઈ ફૂડ સેફ્ટી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં લુણાવાડાના મોટા સોનેલા સ્થિત સરકારી કુમાર છાત્રાલય, ખાનપુરના વાવ્યો ભગતના મુવાડા ખાતે પ્રજ્ઞા મંડળ સંચાલિત શ્રી સરસ્વતી કુમાર છાત્રાલય, મુડાવડેખ ખાતે મહીસાગર જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત નવજીવન કુમાર છાત્રાલય, બામરોડાના શ્રી આદર્શ બક્ષીપંચ કુમાર છાત્રાલય અને છાપરી-બેડવલ્લીના શ્રી આદર્શ કુમાર બક્ષીપંચ છાત્રાલય ખાતે સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ (Hygiene and Sanitation) જાળવવા કડક સૂચનાઓ તેમજ નોટિસ આપવામાં આવી હતી.

આ કામગીરીના બીજા દિવસે એટલે કે તા. ૧૮ ઓગસ્ટના રોજ પણ તપાસનો દોર અવિરત ચાલુ રહ્યો હતો. જેમાં કડાણા તાલુકાની દીવડા કોલોની ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ (કડાણા અને સંતરામપુર) માંથી ૦૨ સેમ્પલ લેવાયા હતા. જ્યારે ખેરવાની કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને સંતરામપુરની મોડેલ સ્કૂલમાં નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત દીવડા કોલોની અને બેણદા (તા. સંતરામપુર) ની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, તેમજ સળિયા મુવાડી અને લિંબોલા (કડાણા-૨) ની કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખાતે પણ સઘન તપાસ હાથ ધરાઈ હતી.

૧૮ તારીખે ફૂડ સેફટી વાન (FSW) દ્વારા વધુ ૧૧ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. ખાનપુર તાલુકાના લીંબડીયા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, તેમજ સ્વપ્ન એજ્યુકેશન ટ્રસ્ટ નરોડા સંચાલિત કન્યા છાત્રાલય અને નવોદય કુમાર છાત્રાલય ખાતે તપાસ કરી ભોજન અને રસોડાની સ્વચ્છતા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી ભવિષ્યમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રાખવામાં આવશે.